સમાજમાં ભય, આતંક અને દુરાચારમાં વ્યસ્ત એવી વ્યક્તિઓ છે તો અલ્પસંખ્યક, પરંતુ તેઓ બેફામ, અવિચારી અને નિરંકુશ હોવાથી સમાજમાં જાણે તેમનું વર્ચસ્વ હોય એમ લાગે છે. હકીકતે તો આવા વિષયકાળમાં પણ સ્થિર, કરેલ વ્યવસ્થિત જીવન જીવતી, રોજ બરોજના વ્યવહારો સુપેરે નિભાવતી, નૈતિકતાના પાયાનાં મૂલ્યોનું જતન કરતી, ધર્મમાં આસ્થા ધરાવતી વ્યક્તિઓનો એક વિશાળ સમુદાય સમાજમાં વસે છે. આમાંની ઘણી વ્યક્તિઓ સાત્વિક જીવનશૈલી અપનાવવાની, જીવનને ઉર્ધ્વગામી બનાવવાની, જીવનનું રહસ્ચ પામવાની, જીવનનો સાચો આનંદ માણવાની જિજ્ઞાસા હોય છે. તેમના એક વખત તલસાટનો તણખો ઝરે ત્યાર પછી તેનો અગ્નિ પ્રજ્વલિત થતો જ રહે છે. તેમની જિજ્ઞાસા ગતિશીલ હોય છે. આવી પ્રજ્વલિત, ગતિશીલ જિજ્ઞાસા ગતિશીલ હોય છે. આવી ગતિશીલ જિજ્ઞાસામાંથી જન્મે છે – ચરમ સત્યને પામવાની લગન. અને ત્યારબાદ આ માટે સાચો રાહ ચીંધે એવા સાચા ગુરુની પ્રાપ્તિ માટે તેમનામાં જાગે છે એક પ્રકારની તડપન ! સાચા શિષ્યત્વના પ્રગટીકરણની આ પૂર્વસ્થિતિ છે. સાધનાની સીડી પરનું આ પ્રથમ પગથિયું છે.
તેમની વ્યાવહારિક, લૌકિક સમસ્યાઓનું નિરાકરણ તો તેમણે પોતાની આગવી સૂઝ-બૂઝથી જરૂર પડ્યે મિત્રો સ્વજનોની, સમાજના કહેવાતા સલાહકરોની મદદ લઈ મેળવ્યું હોય છે. પરંતુ તેમને પીડી રહેલા સૂક્ષ્મ દોષો, જેના વિષે હવે તેઓ સભાન થયા છે, જેવા કે કામ, ક્રોધ, ઇર્ષ્યા, અસૂયા, લોભ ઇત્યાદિ-તેના નિરાકરણ માટે કોને વાત કરવી એનો સતત અજંપો તેમને રહે છે. તેમના મસ્તિષ્કમાં પ્રશ્નો ઊભરે છે. ‘કોની પાસે જવું’ ‘હાથ કોણ પકડશે ?’ ‘કોણ મને સાંભળશે ?’ ‘સાચો રાહ કોણ બતાવશે ?’ તરસ એટલી તીવ્ર હોય છે કે જે કોઈ જે ગુરુ બતાવે ત્યાં પહોંચે છે અને એ જેવો ત્યાં જાય છે ત્યાં જુએ છે શું ? ગ્રીષ્મના ધોમધખતા તડકામાં કોઈ રાહદારી તેની તૃષા છીપાવવા ‘પાણીની પરબ’ લખ્યું હોય એવું પાટિયું લટકતું જોઈ ત્યાં હાંફળો-ફાંફળો પહોંચે અને ત્યાં માત્ર પાટિયું જ હોય-પાણીનું એક બિંદુ પણ ન હોય, તો તેની તૃષા કેમ છીપે ? તૃષા તો ન છીપે પરંતુ તેની હતાશાનો પાર ન રહે દુઃખી થઈ જાય. એ રીતે આ સાધક ગયો હોય ‘હાશ’ પામવા અને થઈ જાય હતાશ !!
મનમાં ઉઠતા આવા ઘાટ અંગે નિખાલશપણે કોની સામે અંતર ખોલી શકાય, એવી વ્યક્તિની આધ્યાત્મિક ઊંચાઈ અને પાત્રતા કેવી હોય આ ઉપરાંત યથાર્થ ગુરુની પરખ કેમ કરવી તે અંગેનું પૂરતું માર્ગદર્શન આપણા પુરાણોમાંથી મળી રહે છે. શિવપુરાણના આમાં કેવા પુરુષોને ગુરુ તરીકે સ્વીકારવા તેની વાત કરી છે.
“પરમતત્ત્વમાં અનુભવપર્યંત જેમની બુદ્ધિની પ્રવૃત્તિ થઈ હોય, જેમનાં દર્શનથી તથા તેમની સાથેના વાર્તાલાપથી મુમુક્ષુને પરમ આનંદની અનુભૂતિ થાય છે. જેમના સંપર્કથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એવા પુરુષને ગુરુ તરીકે સ્વીકારવા અન્યને નહીં.”- (શિવપુરાણ – ૪૩/૪૪)
આવા બ્રહ્મનિષ્ઠ યથાર્થ ગુરુની એકવાર ઓળખ થઈ જાય તો પછી મુમુક્ષુએ સાવ નિઃસંકોચ, નિર્ભય થઈ તેમની સમક્ષ જઈ પોતાનાં ઊઠતા સઘળા ઘાટ કહેવા, કશુંય છુપાવવું નહીં, તદ્દન નિષ્કપટ થઈ જવું. ઘણી વખત ભય અને સંકોચ આપણને સત્યનો પક્ષ લેતા રોકે છે તેમની સમક્ષ અંતર ખોલી દેવું. સત્યના શોધકની આ વેદનાને, મુમુક્ષુ આ મુંઝવણને ભગવાન સ્વામિનારાયણ વચનામૃત પ્રથમના ૩૮માં વર્ણવતા કહે છે, ‘…માટે ઘાટ કેને કહેવો તો જેના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય એવો બળ્યો હોય તેની આગળ કહેવો. અને એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય તેમાંથી પણ એવાને ઘાટ કહેવો જે, તે ઘાટને સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે તે જ્યાં સુધી તે કહેનારાનો ઘાટ ટળી જાય ત્યાં સુધી બેઠતો-ઊઠતો ખાતો-પીતો સર્વ ક્રિયામાં વાત કર્યા કરે…’આમ, શાસ્ત્રમાં જે સાચા ગુરુનાં લક્ષણ બતાવ્યા છે, તેવા ગુરુને શરણે જઈને નિષ્કપટ થઈએ, તો આ જન્મ સફળ થઈ જાય.(ક્રમશઃ)