ભાવનગર શહેરમાં મેઘરાજાનું પૂનરાગમન, શહેરમાં ૧ ઇંચ

779

લાંબા સમયનાં વિરામ અને ભારે ઉકળાટ બાદ ભાવનગર શહેરમાં આજે બપોરબાદ ભારે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. જેનાં કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

રાજ્યભરમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લે બે દિવસથી વરસાદ હાથતાળી આપી જતો રહ્યા બાદ આજે બપોર બાદ અસહ્ય બફારો અને ઉકળાટ બાદ ભારે પવનની સાથો સાથ જોરદાર વરસાદ શરૂ થયો હતો. ત્રુટક ત્રુટક પડેલા તોફાની વરસાદનાં પગલે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. અને નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા.

તોફાની પવન સાથે પડેલા જોરદાર વરસાદનાં પગલે રસ્તા ઉપર નિકળતા વાહન ચાલકો જેમાં ખાસ કરીને સ્કુટર અને બાઇક ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આજે રાત્રી સુધી સમયાંતરે વરસાદ પડતા રાત્રીનાં ૧૦ વાગ્યા સુધીમાં એક ઇંચ નોંધાયો હતો.

ભાવનગર શહેર ઉપર તાલુકા પંથકમાં અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. જેમાં ઉમરાળામાં ૮મી.મી., ગારિયાધારમાં ૪ મી.મી., ઘોઘામાં ૯ મી.મી., જેસરમાં ૯મી.મી., વલ્લભીપુરમાં ૨ તથા સિહોરમાં પાંચ મી.મી. વરસાદ નોંધાયો હતો. ભાવનગર શહેર જિલ્લામાં પડેલા વરસાદનાં પગલે વાતાવરણમાં આંશિક ઠંડક જોવા મળેલ જ્યારે ખેડૂતોએ વાડી-ખેતરોમાં વાવેલા પાકને આજનાં વરસાદથી જીવતદાન મળ્યું છે.

Previous articleકાળાનાળા વિસ્તારમાં બે વૃક્ષો ધરાશાયી
Next articleઇલિયાના દ્વારા પતિને લઇને મોટો ખુલાસો કરાયો