વેસ્ટ ઇન્ડિઝે ભારત સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં યુનિવર્સ બોસ ક્રિસ ગેલને સ્થાન આપ્યું છે. અટકળો હતી કે ગેલ વર્લ્ડકપ પછી નિવૃત્તિ લઇ શકે છે.
જોકે ગેલે ભારત વિરુદ્ધ આ સિરીઝમાં રમવાનું નક્કી કર્યું હતું. તે ઉપરાંત ટીમમાં ઓપનિંગ બેટ્સમેન જોન કેમ્પબેલ અને ઓલરાઉન્ડર્સ રોસ્ટન ચેસ અને કીમો પોલની વાપસી થઇ છે.
આન્દ્રે રસેલ ઇજાના લીધે વર્લ્ડકપની બહાર થયો હતો, તે આ સિરીઝમાં પણ ટીમનો ભાગ નથી. બન્ને દેશ વચ્ચે ૮ ઓગસ્ટના રોજ ગયાના ખાતે પ્રથમ વનડે રમાશે.
આ ક્રિસ ગેલની અંતિમ સિરીઝ બની શકે છે. તેણે વિન્ડીઝ માટે વનડેમાં ૧૦,૩૩૮ રન કર્યા છે. તે વિન્ડીઝ માટે બ્રાયન લારાના સર્વાધિક રનના રેકોર્ડથી માત્ર ૧૧ રન દૂર છે. વેસ્ટ ઇન્ડિઝના હેડ કોચ ફ્લોઇડ રાઇફરે કહ્યું હતું કે, ક્રિસ અમારા માટે મહત્ત્વનો પ્લેયર છે. તેની પાસે અનુભવ છે અને તેના જેવો ખેલાડી કોઈ પણ ડ્રેસિંગ રૂમમાં પોતાના નોલેજથી યોગદાન આપી શકે છે. અમે સ્ક્વોડમાં તેની હાજરીથી ખુશ છીએ.
વેસ્ટ ઇન્ડિઝની ટીમઃ જેસન હોલ્ડર (કેપ્ટન), જોન કેમ્પબેલ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, રોસ્ટન ચેસ, ફેબિયન એલેન, કાર્લોસ બ્રેથવેટ, કીમો પોલ, ક્રિસ ગેલ, શેલ્ડન કોતરેલ, ઓશેન થોમસ, શાઈ હોપ અને કેમર રોચ