ભારતના બોલર મોહમ્મદ શમીને અમેરિકાએ વીઝા આપવાની મનાઈ કરી દીધી હતી. ભારતીય ક્રિકેટને વેસ્ટઈન્ડિઝના પ્રવાસ અંતર્ગત ૩ ઓગસ્ટથી ટી-૨૦ મેચ રમવાની છે.
ટી-૨૦ ટીમમાં શમીની પસંદગી થઈ નથી પરંતુ તેમને વિન્ડિઝ પ્રવાસ પર જનારી ઓડીઆઈ અને ટેસ્ટ ટીમનો ભાગ બનાવાયા છે. ટીમ ઈન્ડિયાને અમેરિકાથી જ વેસ્ટ ઈન્ડિઝ જવાનું છે. એવામાં શમીએ અમેરિકાના વીઝા માટે અરજી કરી હતી. જેનો અમેરિકાએ ઈનકાર કર્યો હતો.
બીસીસીઆઈના એક અધિકારીના જણાવ્યા અનુસાર આની પાછળ કારણ એ છે કે શમીની ઉપર તેમના પત્ની હસીન જહાંએ ઘરેલુ હિંસાનો કેસ કર્યો છે. આ બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલુ છે જે અત્યાર સુધી ઉકેલાયો નથી. જેના કારણે અમેરિકાએ શમીને વીઝા આપવાની મનાઈ કરી દીધી.
વેસ્ટ ઈન્ડિઝ જવા માટે જે ખેલાડીઓની પાસે અમેરિકાના વીઝા નહોતા, તેમના માટે પી-૧ વીઝા કેટેગરીમાં અરજી કરી હતી. ભારતીય ટીમ તરફથી જેટલા પણ ખેલાડીઓએ અરજી કરી હતી તેમાં શમી સિવાય તમામને વીઝા મળી ગયા છે.
શમીના વીઝા કેન્સલ થતા જ બીસીસીઆઈ તરત જ હરકતમાં આવ્યુ અને તેમના સીઈઓ રાહુલ જૌહરીએ આ મામલો તપાસ્યો. બાદમાં બીસીસીઆઈ તરફથી ડૉક્યુમેન્ટ અમેરિકી દૂતાવાસમાં જમા કરાવાયા ત્યારે શમીને વીઝા મળી શક્યા.