માઉન્ટ આબુમાં જુગાર રમતા ૨૮ લોકો ઝડપાયા છે, જેમાં અમદાવાદના ૭ સહિત ૧૩ ગુજરાતી વેપારીઓનો સમાવેશ થાય છે. આબુરોડ પોલીસે ગુરુવારે મોડી રાતે ૩ વાગ્યે માઉન્ટ વેલી રિસોર્ટમાં રેડ પાડી ૨૮ જુગારીને પકડ્યા હતા. પોલીસે ૧.૯૬ લાખ રોકડ જપ્ત કરી હતી. આ જુગાર અડ્ડો અમદાવાદનો પંકજ કાંતિભાઈ નામનો શખસ ચલાવતો હતો. માઉન્ટ વેલી રિસોર્ટમાં પાંચ વર્ષ પહેલા પણ જુગારની રેડ પડી હતી. એ વખતે રિસોર્ટનું નામ સ્વર્ગભૂમિ હતું, જોકે રેડ પડ્યા બાદ તેનું નામ બદલીને માઉન્ટ વેલી કરી દેવામાં આવ્યું હતું.
જુગાર રમતાં વેપારીઓ સાથેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ગુજરાતમાં જુગાર રમવો ગુનો છે અને ત્યાં સજા થાય છે. જ્યારે આબુમાં સુરક્ષાની ગેરંટી પણ મળે છે અને અન્ય સુવિધાઓ પણ મળી રહે છે. પોલીસને રિસોર્ટમાંથી ૫.૪૮ લાખની ટોકન મળી હતી, જેમાંથી ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ટોકન પર જય અંબે લખ્યું હતું. જુગારમાં રોકડને બદલે ટોકનનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ ટોકન અમદાવાદથી લગભગ સાત લાખથી વધુની રકમ ભેગી કરીને લાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી પંકજની શોધખોળ શરૂ કરી છે. પાંચ વર્ષ પહેલાં આ રિસોર્ટ સ્વર્ગભૂમિ નામથી ચાલતો હતો અને પાંચ વર્ષ પહેલાં પણ અહીં જુગારનો અડ્ડો પકડાયો હતો.