બિહાર-આસામમાં પુર સ્થિતિ ગંભીર : મૃતાંક ૨૨૦થી ઉપર

762

બિહાર અને આસામમાં પુરની સ્થિતિ આજે પણ યથાવતરીતે ગંભીર રહી હતી. બંને રાજ્યોમાં મળીને મોતનો આંકડો ૨૨૦થી પણ ઉપર પહોંચી ચુક્યો છે. એકબાજુ સત્તાવારરીતે જ એકલા બિહારમાં મોતનો આંકડો ૧૨૭ સુધી પહોંચી ચુક્યો છે. બિહારમાં બિનસત્તાવારરીતે મોતનો આંકડો ૨૦૦ના આંકડાને પાર કરી ચુક્યો છે. બીજી બાજુ આસામમાં સત્તાવારરીતે ૯૦ લોકોના મોત થઇ ચુક્યા છે. બિનસત્તાવારરીતે આ આંકડો આનાથી પણ ખુબ વધારે છે. સત્તાવાર આંકડાને પણ ધ્યાનમાં લેવામાં આવે તો બંને રાજ્યોમાં પુર તાંડવના લીધે મોટી ખુવારી થઇ ચુકી છે. હજુ પણ કરોડો લોકો બંને રાજ્યોમાં પુરના કારણે અસરગ્રસ્ત થયેલા છે. પટણાથી પ્રાપ્ત અહેવાલ મુજબ બિહારના ૧૩ જિલ્લામાં પુરના કારણે લોકોની હાલત ખરાબ છે. ૮૫ લાખથી વધુ લોકો બિહારમાં પુરના કારણે અસરગ્રસ્ત થયા છે. સૌથી વધુ અસર મધુબાનીમાં થઇ છે. બિહારના ઉત્તરીય હિસ્સામાં આશરે એક પખવાડિયાથી પુરની સ્થિતિ ગંભીરરીતે બની ગઈ છે. જનજીવનને પાટા ઉપર લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ભારે વરસાદ અને નેપાળમાં ભારે વરસાદની સીધી અસર બિહારમાં થઇ છે. પુરના તાંડવના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. સમસ્તીપુર-દરભંગા રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા છે જેથી ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. બજારો બંધ કરવામાં આવ્યા છે. લોકોને ઉંચાણવાળા વિસ્તારો પર શરણ લેવાની જરૂર પડી છે. આજે સમસ્તીપુર-દરભંગા રેલવે માર્ગ ઉપર ટ્રેન સેવાને બંધ કરવાની ફરજ પડી હતી. અનેક નદીઓ ભયજનક સપાટીથી ઉપર પહોંચી ચુકી છે. સ્કુલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. પુરગ્રસ્ત ૧૩ જિલ્લાઓમાં ૧૨૪૩ ગ્રામ પંચાયતોમાં રાહત કેમ્પો ચાલી રહ્યા છે. પુર પીડિતોને ભોજન માટે ૮૮૮ કોમ્યુનિટી રસોડા ચાલી રહ્યા છે. એનડીઆરએફની ૨૭ કંપનીઓ લાગેલી છે. જુદા જુદા જિલ્લાઓમાં સૌથી વધુ અસર થયેલી છે. બીજી બાજુ ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબઆસામમાં સ્થિતિમાં આંશિકરીતે સુધારો થયો હોવા છતાં હજુ પણ ૧૮ જિલ્લાઓને આવરી લેતા ૧૭૧૬ જેટલા ગામો પુરના સકંજામાં છે. ભારે વરસાદ વચ્ચે જુદી જુદી નદીઓમાં પાણીની સપાટી વધી રહી છે. આસામના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓના કહેવા મુજબ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં ધેમાજી, સોનિતપુર, બક્સા, બારપેટા, નાલબેરી, બોંગાઈ ગામ, કોકરાઝાર, ઢુંબરીનો સમાવેશ થાય છે. પુરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે ૬૧૫ રાહત કેમ્પો ચાલી રહ્યા છે. બ્રહ્મપુત્ર સહિત અનેક મોટી નદીઓમાં પાણીની સપાટી ભયજનક આંકડાને પાર કરીચુકી છે. આસામમાં પણ મોતનો આંકડો ૯૦થી ઉપર પહોંચી ચુક્યો છે. બિનસત્તાવારરીતે મોતનો આંકડો ખુબ વધારે હોવાનું જાણવા મળી રહ્યું છે.

આસામ અને બિહાર બંને રાજ્યોમાં પુરની સ્થિતિમાં સુધાર થવાના કોઇ સંકેત નથી. બીજી બાજુ રોગચાળાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. બિહારમાં સીતામઢી અને મધુબાનીમાં સૌથી માઠી અસર થઇ છે. બંને જગ્યાએ ક્રમશઃ ૩૭ અને ૩૦ લોકોના મોત થયા છે.

Previous articleICC ફાઇનલઃ ધર્મસેનાના ઑવરથ્રો રન પર ICC બચાવમાં ઉતર્યું
Next articleFPI દ્વારા જુલાઈ માસમાં કુલ ૩૭૫૮ કરોડ ખેંચાયા