રાજકોટમાં પૂર્વ ટ્રાફિક વોર્ડને પોલીસવેનના બોનેટ પર બેસી ‘હીરોગીરી’ કરતો વીડિયો વાઇરલ થયો હતો. આ મામલામાં જવાબદાર બે કોન્સ્ટેબલને કમિશનરે સસ્પેન્ડ કરી દેતા સોંપો પડી ગયો હતો. શહેરના એ.ડિવિઝન પોલીસ સ્ટેશનની પીસીઆર વેનના બોનેટ પર બેસી ગોગલ્સધારી એક શખ્સે મોબાઇલમાં શૂટિંગ કરાવ્યું હતું અને શુક્રવારે આ વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી ગઇ હતી.
પોલીસની શિસ્તના લીરા ઉડાવતી આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ અંગે ડીસીપી ઝોન ૧ રવિ સૈનીને તપાસનો આદેશ આપ્યો હતો. જે વીડિયો વાઇરલ થયો હતો તેમાં ગોગ્લસધારી શખ્સ બોનેટ પર બેઠો હતો જ્યારે વર્દીધારી પોલીસમેન એ પીસીઆર ચલાવી રહ્યો હતો. ડીસીપી સૈનીએ તપાસ કરતાં એ.ડિવિઝનનો કોન્સ્ટેબલ નિલેશ પુના કુંગશિયા પીસીઆર ચલાવતો હોવાનું સ્પષ્ટ થયું હતું. તેમજ બોનેટ પર બેસનાર પૂર્વ ટ્રાફિક વોર્ડન શુભમ ઉકેડિયા હોવાનું ખુલ્યું હતું.