ગાંધીનગર શહેરની રચના થઈ ત્યારે શહેરમાં રહેણાંક અને કોમર્શિયલ વિસ્તાર અલગ અલગ રાખવામાં આવ્યો હતો પરંતુ સમય જતાંની સાથે જ આ રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ શરૂ થઈ ગઈ હતી. ત્યારે આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના સે-૭માં રહેણાંક વિસ્તારમાં ચાલતાં છ કોમર્શિયલ એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે જેના પગલે અન્ય સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે. આ એકમોમાં બે રીડીંગ લાયબ્રેરી, એક કલાસીસ અને ત્રણ મેડીકલ સ્ટોરનો સમાવેશ થાય છે.
ગાંધીનગરમાં રહેણાંક અને કોમર્શિયલ વિસ્તાર અલગ રાખવા માટે સરકારે સુંદર આયોજન કર્યું હતું પરંતુ હાલ ગાંધીનગર શહેરની સ્થિતિ અન્ય શહેરો જેવી થઈ ગઈ છે અને આ રહેણાંક વિસ્તારોમાં હોસ્પિટલ, કરિયાણાની દુકાન, કોમર્શિયલ પ્રવૃતિઓ ખુબજ વધી છે. પરંતુ કોર્પોરેશન તંત્ર દ્વારા આવા એકમો સામે કોઈ કડક પગલાં ભરવામાં આવતા નથી.
અમુક સેકટરોના રોડ સાઈડના વિસ્તાર તો જાણે કે કોમર્શિયલ એકમો બની ગયા હોય તેમ લાગી રહયું છે અને ત્યાં રહેતાં નાગરિકોની હાલત પણ કફોડી બને છે. તેમની રજૂઆત છતાં પણ કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. શહેરના સે-૭માં પથિકાશ્રમ એસટી ડેપો સામેના વિસ્તારમાં મોટા ભાગના મકાનોમાં ખાનગી હોસ્પિટલ અને મેડીકલ સ્ટોર ધમધમી રહયા છે ત્યારે આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા અહીં રહેણાંક વિસ્તારમાં ચાલતાં ત્રણ મેડીકલ સ્ટોર પ્લોટ નં.૯૫૨/૧ માં જનક કેમિસ્ટ, ૯૫૦/૧માં વિષ્ણુ કેમિસ્ટ અને ૯૪૮/૧માં અન્ય એક મેડીકલ સ્ટોરને સીલ મારી દીધું હતું.
તો પ્લોટ નં.૭૬૯/રમાં રહેણાંક મકાનમાં ચાલતી યુવા રીડીંગ લાયબ્રેરી, બંસરી રીડીંગ લાયબ્રેરી અને કલાસીસને સીલ લગાડી દીધા હતા. કોર્પોરેશને અચાનક શરૂ કરેલી આ સીલીંગની ઝુંબેશના કારણે રહેણાંકમાં કોમર્શિયલ પ્રવૃતિ કરતાં એકમોના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે કોર્પોરેશનની આ ઝુંબેશ કેટલા દિવસ ચાલે છે કેમકે દર છ મહિને કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ અટકાવવા માટે ઝુંબેશ શરૂ કરાય છે પરંતુ રાજકીય દબાણની સાથે મોટા વહીવટથી આ ઝુંબેશો અટકાવી દેવામાં આવે છે.
ત્યારે હાલ તો અન્ય એકમોને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની સામે પણ સીલીંગનું હથિયાર ઉગામવામાં આવશે તેમ જણાવાઈ રહયું છે.