વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં જુદા જુદા વિષય ઉપર વાત કરી હતી. મન કી બાત કાર્યક્રમમાં મોદીએ કહ્યું હતું કે, કાશ્મીરના લોકો વિકાસની મુખ્ય ધારામાં સામેલ થવા માટે ઉત્સુક છે. નફરત ફેલાવનાર લોકોને કોઇ કિંમતે છોડવામાં આવશે નહીં. વડાપ્રધાન મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં જુદા જુદા વિષયો ઉપર વાત કરી હતી. તેમની વડાપ્રધાન તરીકેની બીજી અવધિમાં બીજા મન કી બાત એપિસોડમાં મોદીએ જમ્મુ કાશ્મીરમાં વિકાસ કાર્યક્રમથી લઇને ચંદ્રયાન-૨ મિશનના લોંચિંગ, જળ સંકટ, જળ નીતિ સહિત જુદા જુદા વિષયો ઉપર વાત કરી હતી. મોદીએ પુરમાં ફસાયેલા લોકોને ખાતરી આપી હતી કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની સાથે મળીને તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. મન કી બાત કાર્યક્રમમાં મોદીએ સોપિયા નિવાસી મોહમ્મદ અસલમનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓએ માય ગોવ એપ પર કોમ્યુનિટી મોબિલાઇજેશન પ્રોગ્રામને સફળરીતે ચલાવી રહ્યા છે. આ કાર્યક્રમથી જાણવા મળ્યું છે કે, કાશ્મીરના લોકો વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાઈ જવા માટે ઉત્સુક છે. મોદીએ કહ્યું હતું કે, આ કાર્યક્રમ હેઠળ પ્રથમ વખત મોટા મોટા અધિકારીઓ ગામમાં પહોંચ્યા હતા અને ગ્રામિણ વિસ્તારો અંગે માહિતી મેળવી હતી. મોબ લિંચિંગ કાર્યક્રમ અંગે પણ મોદીએ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધવાની જરૂર દેખાઈ રહીછે.
બેક ટુ વિલેજ કાર્યક્રમને રોમાંચક બનાવવા અન્ય કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. સોપિયન, પુલવામા, અનંતનાગના ગામોમાં કાર્યક્રમોનું સ્વાગત થઇ રહ્યું છે. નફરત ફેલાવનાર લોકોને કોઇ કિંમતે સફળ થવા દેવાશે નહીં. જળ સંરક્ષણ ઉપર પણ કામ થઇ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ગ્રામિણ શ્રમદાન કરીને કુદરતીરીતે જળ પ્રબંધન કરી રહ્યા છે. મેઘાલય એવું પ્રથમ રાજ્ય બની ગયું છે જે રાજ્યએ પોતાની જળનીતિ તૈયાર કરી છે. હરિયાણામાં એવા પાકને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેમાં ઓછા પાણીની જરૂર હોય છે. સ્પેસ મિશન ચંદ્રયાન-૨ની વાત કરતા મોદીએ કહ્યું હતું કે, સ્પેસ મિશનની દ્રષ્ટિએ ૨૦૧૯માં અનેક મોટી સફળતાઓ હાથ લાગી છે. માર્ચ મહિનામાં એસેટને લોંચ કરવામાં સફળતા હાથ લાગી હતી. એસેટ મિસાઇલે ત્રણ જ મિનિટના ગાળામાં ૩૦૦ કિલોમીટરના અંતરે સ્થિત સેટેલાઇટને ફૂંકી મારવામાં સફળતા મેળવી હતી. વડાપ્રધાને ચંદ્રયાન-૨ મિશનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આનાથી બોધપાઠ લેવાની જરૂર છે.
ચંદ્રયાન-૨ પૂર્ણરીતે સ્વદેશી મિશન છે. વૈજ્ઞાનિકો દિનરાત એક કરીને આગળ વધી રહ્યા છે. મોદીએ ઉમેર્યું હતું કે, હવે તમામ લોકોને સપ્ટેમ્બર મહિનાનો ઇંતજાર છે જ્યારે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. વિજ્ઞાન કાર્યક્રમોને પ્રોત્સાહન આપવાની પણ મોદીએ વાત કરી હતી. અમરનાથ યાત્રામાં આ વખતે ૨૮ દિવસના ગાળામાં જ રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચ્યા છે. ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુ પહોંચી ચુક્યા છે. આવી જ રીતે દોઢ મહિનાના ગાળામાં જ આઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથની યાત્રા કરી ચુક્યા છે. શ્રાવણ મહિનામાં લોકો જન્માષ્ટમી, નાગપંચમી અને રક્ષાબંધનની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.