શહેરના ભરતનગર ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા કૈલાસનગરમાં બનાવેલા ત્રણ માળનાં મકાનોનાં એક બ્લોકનો વચ્ચેના માળનો દાદરો આજે ધડાકાભેર ધરાશાયી થયો હતો. સદનસીબે કોઇને ઇજા કે નુકશાન થવા પામ્યું ન હતું.
ભરતનગર વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવાયેલી મોટાભાગની સોસાયટીઓનાં મકાનો જેમાં આદર્શ સોસાયટી, વર્ધમાનનગર, મારૂતિનગર, પુષ્પક સોસાયટી, કૈલાસનગર સહિતની સોસાયટીઓનાં મકાનો નબળા બાંધકામનાં કારણે જર્જરીત થયા છે અને અનેક મકાનોનાં સ્લેબ તૂટવાનાં બનાવો બની રહ્યા છે. જ્યારે આદર્શ સોસાયટીનાં તો તમામ બ્લોક પાંચેક વર્ષથી ખાલી કરાવ્યા છે. અને હજુ તંત્ર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું નથી. ત્યારે આજે ચોમાસાની સીઝનમાં કૈલાસનગર ત્રણ માળીયામાં એક બ્લોકનાં વચ્ચેના માળનો દાદરનો ભાગ આજે અચાનક ધરાશાયી થવા પામ્યો હતો.
વચ્ચેના ભાગનો દાદર પડતા ત્રીજા માળનાં લોકોની હાલત કફોડી બનવા પામેલ. જો કે દાદર પડવાનાં બનાવમાં કોઇને ઇજા કે જાનહાની થઇ ન હતી. પરંતુ ભરતનગરનાં હાઉસીંગ બોર્ડનાં મકાનોમાં રહેતા લાકો સામે હંમેશા ખતરો રહેલો છે.