શહેરમાં હાલમાં વધી રહેલા વાહન ચોરીના ગુના અટકાવવા તેમજ વાહન ચોરીઓનો ભેદ ઉકેલવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે. આ ટીમે રોપડા બ્રિજથી સાંઇનાથ રો-હાઉસ વચ્ચેના રોડ ઉપર વોચ ગોઠવી મોટર સાયકલ ચોરી કેસના આરોપી તૌફીકમિંયા ઉર્ફે મામુ અજીમમિંયા મલેક(ઉ.વ-૨૮) અને સલમાનખાન નાસીરખાન એહમદખાન પઠાણ(ઉ.વ.૨૦)ને ઝડપી લીધા છે. આ બન્ને આરોપીઓએ કુલ ૧૯ ટૂ-વ્હીલરની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે.
આ બન્ને આરોપીના કબ્જામાંથી મોટર સાયકલ તથા મોટર સાયક એન્જીન પણ કબ્જે લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસ રિમાન્ડ દરમ્યાન તેઓએ અલગ અલગ જગ્યાઓથી કલ્લે ૧૯ ટૂ-વ્હીલરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. હાલ તમામ ટૂ-વ્હીલર રીકવર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ હજુ વધુ ગુનાનો ભેદ ઉકેલાવાની શક્યતા છે. બન્ને આરોપીઓએ રામોલ, વટવા, ખોખરા, વટવા જીઆઈડીસી વિસ્તારમાંથી બાઈક ચોરી કર્યા હતા આરોપીઓએ મોં ઉપર રૂમાલ બાંધી હીરો કંપનીનું સ્પ્લેન્ડર અને પેશન મોટર સાઇકલ ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. તેમજ આરોપીઓ ચોરી કરેલા ટૂ-વ્હીલરના સ્પેરપાર્ટ અલગ અલગ કરી જુના મોટર સાઇકલોમાં ફીટ કરી વેચાણ કરતા હતા.