કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ગુંચવણનો આજે અંત આવી ગયો હતો. કારણ કે આજે મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ વિશ્વાસમત જીતી લીધો હતો. મૌખિક મતથી યેદીયુરપ્પાએ વિશ્વાસ મત જીતી લીધો હતો. વિશ્વાસમત યેદીયુરપ્પા હાંસલ કરી શકશે કે કેમ તેને લઇને વ્યાપક ચર્ચા ચાલી રહી હતી.
કર્ણાટકમાં રાજકીય ઘટનાક્રમ પર તમામની નજર હતી. યેદીયુરપ્પા બહુમતિ સાબિત કરે તેના એક દિવસ પહેલા જ કર્ણાટકમાં રાજકીય નાટકોમાં નવો વળાંક એક વખતે આવ્યો હતો જ્યારે વિધાનસભા અધ્યક્ષે જેડીએસ-કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા. આ પહેલા વિધાનસભા અધ્યક્ષે ૩ ધારાસભ્યોને પણ અયોગ્ય જાહેર કર્યા હતા. કોંગ્રેસ-જેડીએસના ૧૬ ધારાસભ્યોએ પોતાની પાર્ટીમાં બળવો કરીને રાજીનામા આપી દીધા હતા જ્યારે સરકારને ટેકો આપી રહેલા એક અપક્ષે પણ રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદથી નાટકોના દોર વચ્ચે કુમારસ્વામી સરકારનું બહુમત પરીક્ષણમાં પતન થયું હતું. ત્યારબાદ ઝડપી ઘટનાક્રમના ભાગરુપે યેદીયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. બીએસ યેદીયુરપ્પાને બહુમત પુરવાર કરવા માટે ૧૦૪ ધારાસભ્યોની જરૂર હતી. ભાજપની પાસે હાલમાં ૧૦૫ ધારાસભ્યો છે. કોંગ્રેસ અને જેડીએસના સભ્યોના બળવા બાદ સરકાર ગબડી ગઇ હતી. કુમારસ્વામીની સરકાર વિશ્વાસમત જીતી શકી ન હતી. મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા ત્રીજી અવધિ માટે મુખ્યમંત્રી બન્યા છે.
યેદીયુરપ્પા સરકાર હવે પોતાની કામગીરી સ્વતંત્રરીતે અદા કરી શકશે. આગામી છ મહિના સુધી અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી શકાશે નહીં. સરકાર ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવામાં આવ્યા બાદ કર્ણાટક વિધાનસભામાં સંખ્યાબળ ઘટીને નીચી સપાટીએ પહોંચ્યો હતો. સંખ્યાબળ પરંપરાગત ૨૨૫ સભ્યોથી ઘટી ગયો હતો. ભાજપને વિશ્વાસ મત હાંસલ કરવા માટે ૧૦૫ મતની જરૂર હતી. અપક્ષ ધારાસભ્ય નાગેશનો ટેકો પણ ભાજપને મળ્યો હતો.
વિશ્વાસમતને લઇને જાહેરાત કરવામાં આવ્યા બાદ વિધાનસભામાં પુરક બજેટ સાથે ત્રણ મહિનાના ગાળા માટે ફાઈનાન્સ બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યુ ંહતું. સ્પીકર કેઆર રમેશની ભૂમિકા છેલ્લા કેટલાક દિવસથી ખુબ ચર્ચાસ્પદ જોવા મળી રહી છે. એન્ટી ક્લાઇમેક્સમાં ત્રણ દિવસનો ગાળો રહ્યો હતો. ભૂતપૂર્વ મુખઅયમંત્રી એચડી કુમારસ્વામીએ મતોના વિભાજનની માંગ કરીને રજૂઆત કરી હતી. યેદીયુરપ્પાને વિશ્વાસમત મેળવ્યો ત્યારબાદ કોંગ્રેસ-જેડીએસના સંયુક્ત વિપક્ષના સભ્યો પુરતી સંખ્યામાં દેખાયા ન હતા. ગૃહમાં વિશ્વાસમત મેળવવા માટેની દરખાસ્ત રજૂ કરતા યેદીયુરપ્પાએ તેમના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો અને વિપક્ષને ખાતરી આપી હતી કે, તેઓ દ્વેષભાવની રાજનીતિમાં વિશ્વાસ રાખતા નથી. રાજનીતિમાં દ્વેષભાવની રાજનીતિ સાથે આગળ વધવામાં તેઓ વિશ્વાસ રાખતા નથી. યેદીયુરપ્પાએ રાજ્યના વહીવટીતંત્રને ફરી પાટા ઉપર લાવવા તેમની પ્રાથમિકતા રજૂ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, છેલ્લા ૧૪ મહિનાના ગાળામાં વહીવટીતંત્ર ભાંગી પડ્યું છે. આ અંગે પ્રતિક્રિયા આપતા સિદ્ધારમૈયા અને પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું હતું કે, આ પ્રકારના આક્ષેપો બિલકુલ આધાર વગરના છે. બંને નેતાઓએ યેદીયુરપ્પાને આરોપો પુરવાર કરવા માટે પડકાર ફેંક્યો હતો.
સિદ્ધારમૈયાએ એમ પણ કહ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા વિશ્વાસમતને તેઓ ગંભીરરીતે વખોડી કાઢે છે. કારણ કે, ભાજપ સરકાર ગેરબંધારણીય અને બિનલોકશાહી સ્વરુપમાં રહેલી છે. વિપક્ષી કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, યેદીયુરપ્પા લોકોના વિશ્વાસ સાથે સત્તા પર આવ્યા નથી. ૨૦૦૮માં પણ યેદીયુરપ્પા મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ તેમની પાસે સભ્યો ન હતા. બીજી અવધિમાં ભાજપે ૧૧૦ સીટો જીતી હતી અને છ અપક્ષો ઉપર તમામ બાબતો આધારિત હતી. હવે ભાજપ પાસે ૧૦૫ સીટો રહેલી છે. જેડીએસ ગૃહના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેઓએ છેલ્લા ૧૪ મહિનામાં શ્રેષ્ઠ કામગીરી અદા કરવાના પ્રયાસો કર્યા છે.