ઉન્નાવ રેપ પિડિતોના એક્સીડન્ટ મામલામાં સીબીઆઇએ કેસ દાખલ કર્યો છે. સીબીઆઇએ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેમના ભાઇ સહિત ૧૦થી ૧૫ લોકોની સામે એફઆઇઆર દાખલ કરી દીધી છે. વધુ તપાસ હાલમાં ચાલી રહી છે. તમામ લોકોની સામે વણઓળખાયેલા લોકોની સામે હત્યા, હત્યાના પ્રયાસ, અપરાધિક કાવતરાની કલમ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ કલમ હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ગયા રવિવારના દિવસે ઉન્નાવ ગેંગરેપની પીડિતા અને તેમની કાકી અને માસીની સાથે રાયબરેલી જેલમાં રહેલા કાકાને મળવા માટે જઇ રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત થયો હતો. એક ટ્રકે તેમને અડફેટે લેતા કાકી અને માસીના મોત થયા હતા. પીડિતાને પણ ગંભીર ઇજા થઇ હતી. પીડિતા અને વકીલ હાલમાં ગંભીર હાલતમાં છે અને સારવાર હેઠળ છે. સ્થિતિ બંનેની ગંભીર છે. પિડિતાના પરિવારના સભ્યોનો આરોપ છે કે ધારાસભ્ય સેંગરે તેમના સમર્થકોને સુચના આપીને આ બનાવને અંજામ આપ્યો હતો.
પરિવારના સભ્યોનો આરોપો છે કે પિડિતા અને તેમના પરિવારની મદદ કરી રહેલા લોકોને ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ મામલે દેશમાં હાલમાં ભારે હોબાળો મચેલો છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી સહિતના રાજકીય પક્ષો ઉન્નાવ રેપ કાંડને લઇને આરોપો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પર દબાણ લાવી રહ્યા છે.
ઉન્નાવ કાંડને લઇને રાજનીતિ ગરમ બની રહી છે. એકબાજુ વિરોધ પક્ષો દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પણ લડાયક મૂડમાં દેખાઈ રહી છે. આજે કોંગ્રેસ પાર્ટીએ આ મામલાને લોકસભામાં ઉઠાવ્યો હતો. સંસદથી લઇને રસ્તાઓ સુધી ઉન્નાવ કાંડને લઇને હોબાળો રહ્યો હતો. એકબાજુ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પીડિત પરિવારને મળવા માટે પહોંચ્યા હતા.