જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના થયેલા કૌભાંડને લઇને એસોસિએશનના પૂર્વ પ્રમુખ ફારુક અબ્દુલ્લાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આજે આકરી પુછપરછ કરવામાં આવી હતી. બીસીસીઆઈ તરફથી રાજ્યમાં ક્રિકેટ સાથે જોડાયેલી સુવિધાઓના વિસ્તાર અને ખેલાડીઓની સહાયતા માટે ફાળવવામાં આવેલી રકમમાં કરોડો રૂપિયાના કૌભાંડના આરોપોનો સામનો ફારુક અબ્દુલ્લા સહિત અન્ય હોદ્દેદારો કરી રહ્યા છે. ક્રિકેટ એસોસિએશનમાં થયેલા કૌભાંડ પર સીબીઆઈએ આ મહિનામાં જ ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં નેશનલ કોન્ફરન્સના સાંસદ ફારુક અબ્દુલ્લાને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. જે સમયે કૌભાંડ થયું હતું ત્યારે અબ્દુલ્લા પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે હતા. આ મામલાની તપાસ પહેલાથી જ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ હાઈકોર્ટે પારદર્શિતાના અભાવમાં તપાસ સીબીઆઇને સોંપી દીધી હતી. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાની સાથે તત્કાલિન મહાસચિવ મોહમ્મદ સલીમ ખાન, કોષ અધ્યક્ષ અહેસાન અહેમદ મિર્ઝા, જેએન્ડએના બેંકના કર્મચારી બસીર અહેમદ પર પણ આક્ષેપ મુકવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના નાગરિક હોવાના કારણે આ તમામ ઉપર જુદી જુદી કલમ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે.
તેમના ઉપર ભ્રષ્ટાચાર, હોદ્દાના દુરુપયોગ, કૌભાંડ અને અપરાધિક કાવતરાને અંજામ આપવાનો આક્ષેપ છે. અપરાધિક કાવતરાને અંજામ આપવાના મામલામાં ફારુક અબ્દુલ્લા પર સકંજો મજબૂત કરવામાં આવ્યો છે. સીબીઆઈએ આરોપપત્રમાં અનેક આક્ષેપો કર્યા છે. બીસીસીઆઈએ ૨૦૦૨થી ૨૦૧૧ વચ્ચે પ્રદેશમાં ક્રિકેટના પ્રચાર પ્રસાર માટે ૧૧૨ કરોડ રૂપિયાની રકમની ફાળવણી કરી હતી. આ રકમમાંથી આશરે ૪૩.૫૯ કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ થઇ ચુક્યો છે. ફારુક અબ્દુલ્લાની આજે પુછપરછ દરમિયાન કયા પ્રશ્નો કરવામાં આવ્યા તેને લઇને હજુ સુધી વિગતો મળી શકી નથી પરંતુ ભ્રષ્ટાચારને લઇને તેમને વેધક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. ઇડીની ટીમ પહેલાથી જ પ્રશ્નોની યાદી તૈયાર કરી ચુકી છે. આ મહિનામાં જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ફારુક અબ્દુલ્લાની સાથે સાથે અન્ય હોદ્દેદારો ઉપર પણ સકંજો મજબૂત કરાયો છે.