ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કાર્યરત મેડિકલ કોલેજ દ્વારા વિવિધ ડિપાર્ટમેન્ટમાં પીજી માટે અરજી કરવામાં આવી હતી. આ અરજી કર્યા બાદ ઓપ્થેલમો ડિપાર્ટમેન્ટમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત એમ.સી.આઇ.ના પ્રતિનિધિઓએ આંખ વિભાગની ઓપીડીથી લઇને ઓપરેશન થિયેટર સુધીની તપાસ કરી હતી.
ગાંધીનગર શિક્ષણ ક્ષેત્રે મહત્વનું કેન્દ્ર બની ગયું છે. ત્યારે હવે અહીં કે.જી.થી લઇને મેડિકલના પીજી સુધીનો અભ્યાસક્રમ થાય છે. આવી સ્થિતિમાં ગાંધીનગર મેડિકલ કોલેજના કેટલાક ડિપાટર્મેન્ટમાં ડી એન બી અંતર્ગત પીજી કાર્યરત છે. ત્યારે મેડિકલ કોલેજ દ્વારા વિવિધ ૯ વિભાગમાં પીજી માટે એમસીઆઇને દરખાસ્ત કરવામાં આવી હતી. જે અંતર્ગત ગઇકાલે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિષ્ણાંતો ગાંધીનગર સિવિલની મુલાકાતે આવ્યા હતાં અને અહીં ઓપ્થેલમો ડિપાર્ટમેન્ટની બારીકાયથી તપાસ કરવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે એમસીઆઇના પ્રતિનિધિઓ દ્વારા આંખ વિભાગની ઓપીડી, આઇપીડી, ઓપરેશન થિયેટરની મુલાકાત લીધી હતી. અહીં એચઓડી સહિત સ્ટાફની પણ પુછપરછ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં આંખ વિભાગના દર્દીઓ અને સ્ટાફની માહિતી તેમણે મેળી હતી. બારીકાયથી આંખ વિભાગનું તપાસ કર્યા બાદ પ્રતિનિધિઓ હવે એમસીઆઇને રીપોર્ટ આપશે અને આ રીપોર્ટના આધારે ગાંધીનગરમાં પીજીની બેઠકો નક્કી થશે.