સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઉન્નાવ ગેંગરેપ કેસ અને એક્સિડેન્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે આક્રમક વલણ અપનાવ્યું હતું અને આ કેસ સાથે જોડાયેલા તમામ પાંચ મામલાને દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આની સાથે સાથે કેસની દરરોજ સુનાવણી કરીને ૪૫ દિવસની સમય મર્યાદા પણ નક્કી કરી હતી. માર્ગ અકસ્માતની તપાસ પણ એક સપ્તાહની અંદર પૂર્ણ કરવા માટેનો સુપ્રીમ કોર્ટે કડક આદેશ જારી કર્યો હતો. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પીડિતાના પરિવારને ૨૫ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, જો ઘાયલ પીડિતાના પરિવારના સભ્યો ઇચ્છા વ્યક્ત કરે તો તેમને સારવાર માટે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે પીડિતાના અને સાક્ષીઓની સુરક્ષાને લઇને પણ આદેશ આપ્યો હતો. કોર્ટે આદેશ આપતા કહ્યું છે કે, તરત જ સીઆરપીએફ પીડિત પરિવારને સુરક્ષા ઉપલબ્ધ કરાવશે. પીડિતાના કાકાને રાયબરેલીથી તિહાર જેલમાં ટ્રાન્સફર કરવા માટેનો પણ આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ આજે ગુરુવારના દિવસે દિવસ દરમિયાન ઉન્નાવ સાથે જોડાયેલા મામલાઓને લઇને સુનાવણીમાં વ્યસ્ત રહી હતી. કોર્ટે ગંભીરરીતે ઘાયલ થયેલી પીડિતાના આરોગ્ય પ્રત્યે પણ ચિંતા વ્યક્ત કરીને અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. મામલાની સુનાવણી દરમિયાન સીજેઆઈ રંજન ગોગોઇના નેતૃત્વમાં ત્રણ જજની બેંચે કહ્યું હતું કે, આ મામલાને વહેલીતકે ઉકેલવામાં આવે તે જરૂરી છે. કોર્ટે કહ્યું હતું કે, બોલાવવામાં આવેલા સીબીઆઈના જોઇન્ટ ડિરેક્ટર સંપત મીણા પાસેથી પીડિતાના પિતાની કસ્ટડીમાં થયેલા મોતને લઇને પણ પ્રશ્નો કર્યા હતા. સીજેઆઈ દ્વારા પીડિતાને સારવાર માટે એમ્સ શિફ્ટ કરવાની વાત કરી હતી. સીજેઆઈ રંજન ગોગોઈ, જસ્ટિસ દિપક ગુપ્તા અને જસ્ટિસ એ બોસ દ્વારા આ મામલામાં સુનાવણી કરવામાં આવી હતી. જજોએ કહ્યું હતું કે, સાત દિવસમાં સ્ટેટસ રિપોર્ટ મળે તે જરૂરી છે. સાથે સાથે આ મામલે જે રીતે પ્રગતિ થઇ રહી છે તેને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સુનાવણી કરતી વેળા આ મામલામાં હજુ સુધી થયેલી તપાસ અને રાયબરેલીમાં આ સપ્તાહમાં થયેલી માર્ગ દુર્ઘટનાને લઇને માહિતી માંગી છે.
કોર્ટે ઉન્નાવ કેસ સાથે સંબંધિત તપાસના સ્ટેટસ રિપોર્ટ અને એક્સીડેન્ટ કેસમાં હજુ સુધી થયેલી સીબીઆઇ તપાસની વિગત આપવા માટેનો આદેશ કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇના નેતૃત્વમાં બેંચે સોલિલિટર જનરલ તુષાર મહેતાને કહ્યુ હતુ કે સીબીઆઇના કોઇ અધિકારીને પણ હાજર કરવામાં આવે તે જરૂરી છે. સોલિસિટર જનરલ મહેતાએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરતા કહ્યુ હતુ કે આ મામલાની તપાસ સીબીઆઇને સોંપી દેવામાં આવી છે. સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ હતુ કે મામલાની તપાસ કરી રહેલા સીબીઆઇ અધિકારી લખનૌમાં છે. આવી સ્થિતીમાં તેઓ બપોર સુધી આવી શકે તેવી સ્થિતી મુશ્કેલ છે. સુપ્રીમ કોર્ટે આ રજૂઆત થયા બાદ પણ આક્રમક વલણ અપનાવ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે તપાસ અધિકારી પાસેથી ફોન પર પૂર્ણ જાણકારી મેળવીને કોર્ટમાં આ જાણકારી રજૂ કરવામાં આવે તેમ સીબીઆઇના ડિરેક્ટરને આદેશ કરવા માટે કહ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે સીબીઆઇને કહ્યુહતુ કે જો તેઓ તપાસ રિપોર્ટ જાહેર કરવા માંગતા નથી તો તેઓ બંધ બારણે સમગ્ર મામલાની તપાસ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી વેળા સોલિલિટર જનરલ અને સીબીઆઇ અધિકારીને હાજર રહેવા માટે આદેશ કર્યો છે. સીજેઆઇએ કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટ તમામ કેસોને લખનૌથી દિલ્હીમાં ટ્રાન્સફર કરનાર છે.