હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયનાં નાદ સાથે ગુરૂવારે સૌરાષ્ટ્રભરના શિવાલયો ગુંજી ઉઠ્યાં છે. સોમનાથ અને ઘેલા સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો. ભગવાન શિવજીની આરાધના માટે શ્રેષ્ઠ ગણાતાં શ્રાવણ માસનો આરંભ થતાં જ સમગ્ર ગોહિલવાડ પંથકના શિવ આરાધકો ભગવાન ભોલેનાથના પૂજન-અર્ચન, આરતી અને સ્તુતિગાનમાં એક લીન થઇ ગયા છે. આ માસના આરંભથી અંત સુધી વર્ષાભીના માહોલમાં ચોતરફ લોકમેળાની રંગત જામેલી રહેશે. સોમનાથ ટ્રસ્ટ તેમજ જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા બાબતે માહિતી આપતા કહ્યું હતું કે,યાત્રીકો દર્શન શાંતિથી કરી શકે તેવું આયોજન કરાયું છે.
સાથે વિવિધ સુવિધા પણ ખુલ્લી મુકાઈ છે. જિલ્લા પોલીસ દ્વારા પોલીસ એસઆરપી સિક્યુરિટી સ્ટાફ દ્રારા ફરજ બજાવશે. ખાસ એક ડીવાયએસપી, ૩ પીઆઈ, ૬ પીએસઆઈ, ૧૦૨ પોલીસ જવાનો, ૮૦ જીઆરડીના જવાનો સાથે એક કંપની એસઆરપીના જવાનો સુરક્ષામાં ફરજ બજાવશે. ત્રણ જગ્યાએ પોલીસ યાત્રીકોની મદદ માટે તૈનાત રહેશે. મંદીરમાં મોબાઈલ કેમેરા, રિમોટ કિચન વગેરે યાત્રીકો લઈ જઈ શકશે નહી. ઉપરાંત સીસીટીવીથી સુરક્ષા બાબતે નજર રખાશે. તો અહી તૈયાર થયેલા ૪૫ લાખના ખર્ચથી બનેલા અધ્યતન સુલભ શૌચાલયનું લોકાર્પણ કરાશે. સાથે ૨ હજાર ફોરવ્હીલ પાર્ક થઈ શકે. તેમજ ૨૦૦ બસો પાર્ક થઈ શકે તેવું અધ્યતન પાર્કિગ પણ શ્રાવણના પ્રારંભ સાથે જ ખુલ્લુ મુકાશે. સાથે અહી વિવિધ પ્રસાદ ભંડારા તેમજ ભક્તી સંગીત સહિતના કાર્યક્રમો પણ યોજાશે. જે માહિતી ટ્રસ્ટી સેક્રેટરી પી.કે .લહેરીએ આપી હતી.