‘કદમ અસ્થિર હો તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી’ આ પંક્તિ તળાજા તાલુકાના અંતરિયાળ એવા ગોરખી ગામના માત્ર ૩ ફુટની ઉંચાઇ અને ૧૫ કિલો વજન ધરાવતાં ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયાએ ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ.માં એડમિશન મેળવી સાકાર કરી બતાવી છે.
આર્થિક રીતે ખૂબ જ સામાન્ય પરિવારમાં ઉછરેલા ગણેશ બારૈયા સાત બહેનો અને બે ભાઈઓ માં આઠમા ક્રમે આવે છે. તેમના પિતા વિઠ્ઠલભાઈ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અભ્યાસમાં અતિ તેજસ્વી એવા ગણેશ બારૈયાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં પૂર્ણ કર્યા બાદ તળાજા ખાતેની નીલકંઠ વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો.ગણેશે ધોરણ નવ થી જ ડોક્ટર બનવાની નેમ સાથે ગાઢ મહેનતથી આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો. નીલકંઠ વિદ્યાલયના સંચાલકોએ પણ ગણેશનો જુસ્સો અને ધગશ જોઈ તેને વિનામૂલ્યે ભણાવવાનો સંકલ્પ કર્યો અને આમ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગણેશ ૮૭ ટકા સાથે ઉત્તિર્ણ થઈ ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ.માં દિવ્યાંગ કોટામાં પ્રવેશ મેળવવા સક્ષમ બન્યા. ગણેશના પિતા વિઠ્ઠલભાઇએ રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું કે ગણેશની ઉંચાઇ ૩ ફુટ અને વજન માત્ર ૧૫ કિલો હોઇ ગણેશે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.ગણેશને એક વખત હું સર્કસ જોવા લઈ ગયેલો જયાં સર્કસના સંચાલકોએ ગણેશનું ટુંકુ કદ જોઇ ગણેશને સર્કસમાં કામ કરવાની મારી પાસે માગણી કરી આથી હું ખૂબ જ ગભરાયો. સર્કસ વાળા ગણેશને લઈ જશે એવા ડરથી અમે ગણેશને ક્યારેય કયાંય એકલો મુકતા નહોતા પરંતુ નીલકંઠ વિદ્યાલયના સંચાલકશ્રી રૈવતસિંહ સરવૈયા તથા ડો. દલપત કાતરીયાએ ગણેશની સંપૂર્ણ જવાબદારી પોતાના ખભે લીધી અને ભણવામાં તેજસ્વી ગણેશને આગળ માર્ગદર્શન પૂરું પાડ્યું અને આજે જે દેખાય છે એનું જ પરિણામ છે. ગણેશ બારૈયાએ મુલાકાતમાં જણાવ્યું હતું કે હું ડોક્ટર બની ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માંગું છું અને જો તક મળે તો એક વખત મુખ્યમંત્રીશ્રીની રૂબરૂ મુલાકાત લેવા માંગુ છું.
દેશના તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને જેના જીવનમાંથી પ્રેરણા મળે તેવા ગણેશ બારૈયા એમ.બી.બી.એસ પુર્ણ કરતાની સાથે જ સૌથી ઓછી ઉંચાઇ ધરાવતાં ડોકટર તરીકે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે. આ તકે ગણેશ બારૈયા તેમજ તેના પરિવારજનોએ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં હર હંમેશ સાથે રહી મદદરૂપ થનાર ભાવનગરના સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, કલેકટરશ્રી હર્ષદ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ.બી.પ્રજાપતિ, નાયબ કલેકટર શ્રી બિપીન તલાટી તેમજ નિલકંઠ વિદ્યાલયના સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો.