૨૧ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયા બાદ વડોદરામાં સ્થિતિમાં હજુ પણ સુધારો થયો નથી. ૫૦ ટકાથી વધુ વિસ્તારો હજુ પણ પાણી હેઠળ છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જનજીવનને રાબેતા મુજબ કરવા માટેના તમામ પ્રયાસ ચાલી રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં જુદી જુદી બચાવ ટુંકડી ગોઠવાયેલી છે. ઠેર ઠેર તબાહી અને તારાજીના દ્રશ્યો સપાટી પર આવી રહ્યા છે. વિજ પુરવઠાને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. વડોદરામાં ધીમી ગતિનો વરસાદ આજે પણ જારી રહ્યો હતો. ધીમી ગતિના વરસાદ વચ્ચે પણ બચાવ અને રાહત કામગીરી જારી રહી હતી. વડોદરામાં પૂરની સ્થિતિ અંગે માહિતી મેળવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી મોડી સાંજે પોતે પહોંચ્યા હતા અને અસરગ્રસ્તો સાથે વાતચીત કરી હતી. તમામ સહાયતા ઉપલબ્ધ કરાવવાની ખાતરી પણ આપી હતી. રૂપાણીએ અસરગ્રસ્ત સાથે વાતચીત કરી હતી. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમને વડોદરા શહેરની પૂરની સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા. તેમણે રાજ્ય સરકારે આ પરિસ્થિતિમાં પૂર્વવત થવા હાથ ધરેલા કાર્યોની વિગતો પણ આપી હતી. વડાપ્રધાનએ ગુજરાતમાં ખાસ કરીને વડોદરામાં વરસાદી ત્રાસદીમાંથી જનજીવન પૂનઃ પૂર્વવત કરવા માટે કેન્દ્ર સરકાર રાહત અને પૂનર્વસન કાર્યોમાં શકય તમામ સહાય કરશે તેવી ખાતરી આપી છે. વડોદરામાં ભારે વરસાદ બાદ વડોદરાવાસીઓ છેલ્લા ત્રણ દિવસથી જબરદસ્ત હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જો કે, પૂરના પાણી આજે ત્રીજા દિવસે ધીરે ધીરે ઓસરી રહ્યા છે પરંતુ તેમ છતાં હજુ પણ કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ છે, જયાં સ્થાનિક લોકો ખાસ કરીને મહિલાઓ, બાળકો, બિમાર અને અશકત વૃધ્ધજનો ખાવા-પીવા અને જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે વલખાં મારી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી જળબંબાકાર અને પાણીના ડૂબમાં રહેવાના કારણે લોકો ભંયકર રીતે ત્રાહિમામ્ પોકારી ગયા છે. બીજીબાજુ, વડોદરામાં જળતાંડવ બાદ હવે ઠેર-ઠેર તબાહી અને તારાજીની દ્રશ્યો સામે આવી રહ્યા છે.
એક અંદાજ મુજબ, વડોદરાના આ મેઘતાંડવથી વડોદરા મનપા, એસટી તંત્ર સહિતના વિભાગોની સાથે સાથે સામાન્ય લોકોના જાન-માલ અને ઘરવખરી સહિતની ચીજવસ્તુઓની મળી હજારો કરોડનું નુકસાન થયું છે. ત્રણ દિવસ પહેલાં વડોદરામાં ખાબકેલા ૨૧ ઇંચ વરસાદે સમગ્ર વડોદરા શહેરને જાણે પાણીમાં ડુબાડી દીધુ હતુ. મેઘકહેરના કારણે વડોદરાનું જનજીવન તહસનહસ થઇ ગયું છે. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને પગલે જનજીવન ખોરવાઇ ગયું છે. પૂરના કારણે વડોદરાના મોટાભાગના પેટ્રોપ પંપ બંધ જ હતા. જો કે, આજે ત્રીજા દિવસે કેટલાક વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરતાં સવારે કેટલાક પેટ્રોપ પંપ ખૂલતા લોકોએ પેટ્રોલ-ડિઝલ પુરાવવા માટે વાહનોની ભીડ અને લાંબી લાઇનો લગાવી હતી. ૨૧ ઇંચ જેટલા જાણે કે આભ ફાટવા સમાન અતિ ભારે વરસાદના કારણે ચાર દરવાજા, સુભાનપુરા, ગોત્રી, ન્યૂ વીઆઇપી રોડ, રાવપુરા, વાસણારોડ, સયાજીગંજ, અલકાપુરી, માંજલપુર, કારેલીબાગ, વાઘોડીયા રોડ, પાણીગેટ, સ્ટેશન રોડ સહિતના તમામ વિસ્તારો ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આજે ત્રીજા દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ધીરે ધીરે પાણી ઓસરતા થયા હતા. વડોદરા મનપા અને તંત્રના અધિકારીઓએ પણ પાણીની ઝડપથી નિકાલ માટે ભારે જહેમત ઉઠાવી હતી.જો કે, પાણી ઓસર્યા બાદ લોકોના ઘરોમાં, ફલેટોમાં, દુકાનોમાં, શોપીંગ કોમ્પલેક્ષ અને કોમર્શીયલ સેન્ટરોમાં કાદવ, ગંદકી અને નુકસાનીના તારાજીના ગંભીર દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે. તો બીજીબાજુ, વડોદરામાં રોગચાળાની પણ ગંભીર દહેશત બની છે, તેને લઇને પણ તંત્ર દોડતું થયું છે.
વડોદરાની આ કટોકટરીભરી પરિસ્થિતિમાં આર્મી, એનડીઆરએફ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની રાહત અને બચાવ ટીમો લોકોને સલામત સ્થળે ખસેડવાથી માંડી દવા, ફુડ પેકેટ્સ પીવાનું પાણી સહિતની બહુ પ્રશંસનીય સેવા કરી હતી. હજુ પણ આ ટીમો દ્વારા વડોદરામાં અસરગ્રસ્તો સુધી મદદ પહોંચાડી રહી છે.