મહાવૈરી માન

680

’માન’ નામના મહાવૈરી પર કાબૂ મેળવવો એ અતિશય અઘરું કામ છે ! એ છે સૂક્ષ્માતિસૂક્ષ્મ પણ પીડે છે પારાવાર ! સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવાથી પ્રથમ તો તેને પિછાણવો જ મુશ્કેલ. ક્યારેક વાણીથી વદાઈ જાય કે વર્તનમાં ડોકાઈ જાય, ત્યારે તેના અસ્તિત્વની આર, પ્રથમ તો સામાવાળાને ભોંકાય; માનને સંઘરીને ફરતી વ્યક્તિને તો હજુ કદાચ તેનો અણસાર પણ ન આવ્યો હોય !! લૌકિક મોટપ ઉપરાંત ક્યારેક ’હું જ્ઞાની છું’, ’હું અનુભવી છું’, ’હું શ્રીમંત છું’, ’હું રૂપવાન છું’, ’હું કુળવાન છું’, ’હું સત્તા ધરાવું છું’, ’હું દાની છું’, ’હું સેવાભાવી છું’, ’હું પરમ ભક્ત છું’, આવી પોતાની આગવી ઓળખ વ્યક્તિઓને હોય છે. આ ઓળખ તેને અન્યથી અલગ કરે છે. અને આ અલગતામાંથી પ્રગટે છે ’હું’કાર – અહંકાર.

જાપાની કવિ ચોન નાગૂચીએ તેમનાં કાવ્યો ઉપરાંત ઘણી સંક્ષિપ્ત બોધકથાઓ પણ લખી છે. એક બોધકથામાં તેઓ એક બિંદુની વાત કરે છે. નિરંતર ઉછાળા મારતા સાગરમાંથી એક બિંદુ ઊડીને દૂર એક લિસ્સા પથ્થરના અંકે ગોઠવાઈ ગયું. પથ્થરે પૂછ્યું, ’રે ! તું અહીં કેમ છુપાયું ?’ ’રાક્ષસથી હું ત્રાસી ગયું છું.’ બિંદુ બોલ્યું. ’કયો રાક્ષસ ?’ ’આ સાગર; મારે હવે એની સાથે સ્પર્ધામાં ઊતરવું છે.’ ’અરે પાગલ ! સૂરજના તાપે સળગી તું તો પલભરમાં અદૃશ્ય થઈ જઈશ. વિરાટ સાગરનો સંબંધ તોડી તેં તારી જાતને ક્ષુદ્ર બનાવી દીધી. ઈર્ષ્યા, તિરસ્કાર અને હીનતાની ભાવનાથી તારો અહં જાગ્યો લાગે છે. જો ! સાગર તો તેના સહસ્ર હાથ લંબાવી હજીય તને નિમંત્રણ આપે છે. તેનો તારા પ્રત્યેનો પ્રેમ લગીરે ઓછો થયો નથી. એક કૂદકો માર, તું બિંદુ મટી સ્વયં સાગર બની જઈશ. તેની સાથે સ્પર્ધા કરવાનો આ એક જ રસ્તો છે.’ આમ મનમાંથી જ ઈર્ષ્યા પ્રગટે છે.

ભગવાન સ્વામિનારાયણે વચનામૃત મધ્યના ૪૧માં માનના સ્વાદની વિચારપ્રેરક વાત કરી છે. શ્રીજીમહારાજ કહે છે કે ’…અને જીવનો તો એવો સ્વભાવ છે જે, ’જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે.’ પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહિ. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય છે. પણ મૂર્ખ એમ નથી જાણતો જે, ’મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું.’ તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી…’ સૂકા હાડકાને કરડતા શ્વાનનું સચોટ દૃષ્ટાંત આપી, કેટલીકવાર ભગવાનની ભક્તિ પણ માન-મિશ્રિત હોય છે એવી વાસ્તવિક વાત, શ્રીહરિ પ્રસ્તુત વચનામૃતમાં કરે છે.

ભક્તિ અને સમાજસેવામાં રત હોવા છતાં માનનો સ્વાદ મુકાતો નથી. બાહ્ય રીતે નિર્માનીનું નાટક કરતો માણસ છૂપો છૂપો જાણે માનની જ ભીખ માગતો હોય છે. ’મેં આટલી સેવા કરી, પણ મારી જોઈએ એવી કદર ન થઈ’ અથવા તો ’મેં આટલી સેવા કરી છે અને છતાં મારા સન્માનમાં કાંઈ ઉમળકો ન દેખાયો.’

આવા ભાવોથી મન ઉદ્વિગ્ન જ રહ્યા કરે. ન એની ભક્તિમાં ભલીવાર આવે, ન એની સેવામાં સુવાસ. એટલા માટે જો ભક્તિ અને સેવામાં નિર્માનીપણું આવે તો તે બંને દીપી ઊઠે.

પ્રમુખસ્વામી મહારાજનું નિર્માનીપણું, સકળ વિશ્વના આધ્યાત્મિક માર્ગના સાધકો માટે એક જ્વલંત દૃષ્ટાંતરૂપ છે. વિશ્વસમસ્તના સત્તાધીશો, મઠાધિપતિઓ, મહામંડલેશ્વરો, તજ્જ્‌ઞો, કલાકારો, દેશી-વિદેશી, સ્વધર્મી-અન્યધર્મી મહાનુભાવો જેનો આદર કરે એવી આ વિશ્વવિભૂતિ, અદકામાં અદકા માણસ સાથે પણ એટલી જ તથા એથીય વધુ સરળ બનીને વર્તતી. તેના શ્રેય-પ્રેયની એક સ્વજનથીય વધુ સ્નેહથી પૃચ્છા કરે, ત્યારે સમજાય કે સ્વામીશ્રીના આ નિર્વ્યાજ પ્રેમનો સ્રોત, અહંશૂન્યતાની ભોમમાંથી અસ્ખલિત પ્રગટી રહ્યો છે.(ક્રમશઃ)

Previous articleદામનગરમાં બહેનોના તાલીમ વર્ગનો પ્રારંભ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે