છેલ્લા ઘણા વર્ષોથી શહેરના વિવિધ માર્ગો ઉપર ઢોરોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે મહેસાણા નગરપાલિકાના શાસક તેમજ વિપક્ષો નિષ્ફળ સાબિત થયા છે. સ્થાનિક રહીશો આ ત્રાસથી ક્યારે મુકત થશે તે રાહ જોઈ રહ્યા છે.
મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર ઢોરના ત્રાસથી ત્રસ્ત જનતાએ અવારનવાર અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. અગાઉ આ રખડતા ઢોરોના કારણે મૃત્યુ થવા સુધીની ઘટનાઓ બની છે તો પણ આ તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં છે ત્યારે લોકો દ્વારા હવે તો એવી ચર્ચા ચાલી રહી છે કે તંત્ર શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે.
જ્યારે બીજી બાજુ લોકમુખે એવી પણ ચર્ચા સાંભળવા મળી રહી છે કે, વારે તહેવારોમાં મુંગા પશુ પક્ષી ઓના બ્હાને લાખો રૂપિયાનું દાન લેનાર સંસ્થાઓની નૈતિક ફરજ નથી બનતી કે દાન લીધા પછી આ રખડતા ઢોરની કોઈ તકેદારી રાખવી. આ સંસ્થા લાખો રૂપિયાનું મહેસાણાની જનતા પાસેથી દાન મેળવ્યા બાદ રોડ ઉપર રખડતા ઢોરો માટે જવાબદારી અંગે પોતાની કોઇ જવાબદારી લેવાને બદલે આ સમસ્યા સામે મોં ફેરવી રહી છે.