ઇન્ડોનેશિયાના ભારે વસ્તી ધરાવતા જાવા દ્ધિપ પર દક્ષિણી દરિયાકાઠે આજે પ્રચંડ ભૂંકપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૮ જેટલી આંકવામાં આવી છે. ઇન્ડોનેશિયામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના સુત્રોએ કહ્યુ છે કે દક્ષિણપશ્ચિમમાં સુમુરથી આશરે ૧૪૭ કિલોમીટરના અંતરે સ્થિતી વિસ્તારમાં ભૂકંપનો પ્રચંડ આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા વધારે હોવાના કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. તમામ લોકો સારી રીતે જાણે છે કે ગયા વર્ષે સુલાવેસી દ્ધીપના પાલુમાં આટલી જ તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેમાં ૨૨૦૦થી વધારે લોકોના મોત થયા હતા. જ્યારે હજારો લોકો લાપતા થઇ ગયા હતા. આ પહેલા ૨૬મી ડિસેમ્બર ૨૦૦૪ના દિવસે સુમાત્રામાં દરિયાથી અંતરે ૯.૧ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યા બાદ અભૂતપૂર્વ નુકસાન થયુ હતુ. જેના કારણે હિન્દ મહાસાગરમાં સુનામી ત્રાટકતા ભારે નુકસાન થયુ હતુ. માત્ર ઇન્ડોનેશિયામાં જ આના કારણે ૧૭૦૦૦૦ લોકોના મોત થયા હતા. જ્યારે હિન્દ મહાસાગર નજીકના દેશોમાં આની અસર થઇ હતી. કુલ ૨.૨ લાખ લોકોના મોત થયા હતા. ઇન્ડોનેશિયામાં વારંવાર ભૂકંપ અને સુનામી મોજા ઉછળતા રહે છે. દુનિયાના સૌથી ભૂંકપ પ્રભાવિત વિસ્તાર તરીકે ઇન્ડોનેશિયાને ગણવામાં આવે છે.
ઇન્ડોનેશિયા ઉપરાંત ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, તાઇવાન, હેતીમાં પમ વારંવાર ધરતીકંપ આવતા રહે છે. ઇન્ડોનેશિયામાં નવેસરથી આવેલા પ્રચંડ ભૂકંપ બાદ શોધખોળ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કોઇ નુકસાન થયુ છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી રહી છે. ભૂકંપની તીવ્રતાને લઇને વિરોધાભાસની સ્થિતી છે. કેટલાક હેવાલમાં તીવ્રતા ૬.૮ આંકવામાં આવી છે. જ્યારે કેટલાક હેવાલમાં તીવ્રતા ૭.૫ આંકવામાં આવી છે. જેથી દુવિધાભરી સ્થિતી જોવા મળી રહી છે.