દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે અંબિકા સહિતની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે.જેના પગલે ગણદેવીના ભાટ ગામ ખાતે ૫૦થી વધુ લોકો ફસાઈ ગયા હતા. જ્યારે ગણદેવીના ભાટ ગામમાં ૨૫ જેટલા પરિવાર ફસાઈ જતા ભારતીય વાયુ સેના દ્વારા વડોદરાથી બે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા અને અસરગ્રસ્ત પરિવારોને એરલિફ્ટ કરવાની કામગીરી હાથ ધરી તમામને સહીસલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. એરફોર્સ દ્વારા બહુ સફળતાપૂર્વક અને સાવચેતીપૂર્વક સમગ્ર બચાવ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. પૂર્ણા, કાવેરી, અંબિકા સહિતની નદીઓના પૂરને લઇ ૨૮થી વધુ ગામોને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરમ્યાન ગણદેવી બાદ બીલીમોરા ખાતે આવેલા ઝીંગા તળાવ નજીક ૪૦થી વધુ લોકો ફસાયા હોવાની જાણ થતાં હેલિકોપ્ટર દ્વારા આ તમામ લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરસાદી પાણીમાં ફસાયેલા તમામ લોકોને એરલિફ્ટ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. નવસારી જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ચોમાસાનો જોરદાર વરસાદી માહોલ બન્યો છે. નવસારી અને વિજલપોર, છાપરા ગામે વરસાદને કારણે પાણીનાં નિકાલની જગ્યા ન હોય રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા.
વિજલપોરમાં મહતમ વિસ્તારોમાં પાણી નિકાલની વ્યવસ્થા ન હોય પાણી રસ્તાઓ ઉપર ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. બીલીમોરા નજીક ઘોલ અને ગણદેવી નજીક ભાટ ગામે પાણી ભરાવાથી સંપર્ક વિહોણું બન્યું છે. નવસારી જિલ્લાની લોકમાતા પૂર્ણા ૧૭ ફૂટ, કાવેરી ૧૬ ફૂટ અને અંબિકા ૨૭ ફૂટે વહી રહી છે. જેથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ તમામ નદીઓમાં પૂરની સ્થિતિ બનતાં કાંઠા વિસ્તારના ૨૮થી વધુ ગામોને એલર્ટ જારી કરવામાં આવ્યા છે. દરમ્યાન ગણદેવી-બીલીમોરાના અસરગ્રસ્ત સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય ચોમાસા દરમ્યાન ગણદેવી તાલુકાના ભાટ ગામ નદીમાં પાણી વધતા તે સંપર્કવિહોણું બની જાય છે ત્યાં માત્ર હોડી દ્વારા જ આવ-જાવ શક્ય બને છે. દરેક ચોમાસામાં ઘોલ ગામના લોકોનો ભારેથી અતિભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોની વારંવાર રજુઆત બાદ પણ આ બાબતે રાજકીય આગેવાનો અધિકારીઓ કોઈ નીવેડો લાવી શક્યાં નથી. ઘોલ ગામના માર્ગ પરના રસ્તાનું પીચિંગની ઊંચાઈ વધારવામાં આવે તો આ સમસ્યાનો નિકાલ શક્ય બને એમ છે.