ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠક માટે ૮૩ ઉમેદવારો મેદાને રહ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ સહિત અપક્ષોએ પણ પોતાની જીત માટે પ્રચાર ઝુંબેશને વેગ આપ્યો હતો. જો કે, આજે મતદાનને પગલે ગઇકાલથી જ આ પ્રચાર પડઘમ શાંત થઇ ગયા હતા અને રાત્રી બેઠકો અને રાજકારણની ભાષામાં કહીએ તો ઓપરેશનો શરૃ થયા હતા. આજે તમામ બેઠકો માટેનું મતદાન પુરુ થઈ ગયું હતું અને ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયા છે. ઉમેદવારો પોતાની તરફી મતદાન થાય તે માટે રસ લઇ રહ્યા હતા તો બીજીબાજુ લોકશાહીની ખરા અર્થમાં જીત થાય તે માટે વહિવટી તંત્ર વધુમાં વધુ મતદાન થાય તે માટે કાર્ય કરી રહ્યું હતુ.
ગાંધીનગર તાલુકા પંચાયતનું જાહેરનામું તા.૩જી ફેબુ્રઆરીએ પડયા બાદ તા.૮મી સુધીમાં પંચાયતની કુલ ૩૬ બેઠકો માટે ૧૨૨ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી ડમી સહિત કેટલાક અપક્ષોએ ફોર્મ પરત ખેંચી લેતા ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી જંગમાં ૮૩ ઉમેદવારો મેદાન રહ્યા હતા. આ ૮૩ ઉમેદવારોએ પોતાની જીત માટે છેલ્લા દિવસોમાં સામ,દામ,દંડ,ભેદની નીતિ અપનાવીને મતદારોને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો. એટલુ જ નહીં, છેલ્લી રાત્રીએ તો પ્રચાર પડઘમ શાંત પડયા બાદ ઉમેદવારોએ નાણાની કોથળી પણ ખુલ્લી મુકી દીધી હતી અને રાત્રી બેઠકમાં મતદારોને આકર્ષવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
ગાંધીનગર તાલુકા પંચાયતની ૩૬ બેઠકો માટે કુલ ૨.૫૧ લાખથી પણ વધુ મતદારો છે જેમના માટે કુલ ૩૦૧ મતદાન મથકો છે. જ્યાં જરૃરી આધાર પુરાવા સાથે મતદારો પોતાના અમુલ્ય મતનો ઉપયોગ કર્યો હતો. મતદાન મથકો ઉપર કોઇ અનિશ્ચનીય બનાવ ન બને અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ચૂંટણી તંત્રએ તમામ મતદાન મથકો ઉપર પોલીસનો બંદોબસ્ત પણ મુક્યો હતો તેમજ કંટ્રોલરૃમ બનાવીને સ્ટાફને તેના સંપર્કમાં રહેવા માટે પણ આદેશ આપ્યા હતા. શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે તાલુકા પંચાયતના અધિકારી અને કર્મચારી દ્વારા છેલ્લા ઘણા દિવસોથી જહેમત ઉઠાવવામાં આવી રહી હતી.