કોર્પોરેશનની ઢોરપકડ પાર્ટી છેલ્લા ત્રણ દિવસથી સુષુપ્ત અવસ્થામાં

460

ગાંધીનગર શહેરમાં મહાનગર પાલિકામાં ચાલી રહેલા વહીવટી ડખ્ખાના કારણે શહેરી-જનોને સહન કરવાનો વારો આવ્યો છે. ગાંધીનગરમાં હાલ માર્ગો ઉપર મોટી સંખ્યામાં રખડતાં ઢોરોનો અડીંગો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ઢોર પકડ પાર્ટી કામ ઉપર આવી જ નથી. નાયબ મ્યુનિ. કમિશનર દ્વારા રોજના રપ ઢોર પકડવાનું ફરમાન કરી બે કર્મચારીઓને કાઢી મુકવામાં આવતાં આ સ્થિતિ ઉભી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

રાજયનું પાટનગર હોવા છતાં ગાંધીનગર મહાનગરપાલિકાએ રાજકીય અને વહીવટી ડખા સમવાનું નામ લેતાં જ નથી. કોઈને કોઈ મુદ્દે અધિકારીઓ અને સત્તાપક્ષ વચ્ચે ખટરાગ પેદા થતો હોય છે ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે પણ મનમેળના અભાવે કોર્પોરેશનની ગાડી હાલ પાટા ઉપરથી ઉતરી ગઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહયું છે ત્યારે હાલની સ્થિતિમાં  શહેરના માર્ગો ઉપર રખડતાં ઢોરોનો અડીંગો છે ત્યારે જ કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી છેલ્લા ત્રણ દિવસથી સુષુપ્ત અવસ્થામાં રહી છે અને કોઈ કર્મચારી કામગીરી કરી રહયા નથી.

આ મામલે ઢોરપકડ પાર્ટીના કર્મચારીઓએ કોર્પોરેશનના ચોથા માળે સત્તાપક્ષને રજૂઆત પણ કરી છે. સુત્રોનું માનીએ તો નાયબ મ્યુનિ.કમિશનર દ્વારા ઢોરપકડ પાર્ટીને રોજના રપ ઢોર પકડવા માટેનું ફરમાન કરવામાં આવ્યું હતું તેની સામે કર્મચારીઓએ એક દિવસમાં આ કામગીરી કરવી શકય નથી અને હવે પકડેલા પશુઓને ટેગ લગાડવાની પધ્ધતિ પણ શરૂ કરાઈ હોવાથી તેમાં સમય જતો હોવાના કારણે ઢોર ડબ્બેથી પરત ફરતાં જ સમય જતો હોવાની દલીલ કરી હતી.

જે પૈકી બે કર્મચારીઓને ડીએમસી દ્વારા હવે ફરજ ઉપર નહીં આવવા માટે કહી દેવાતાં અન્ય કર્મચારીઓ પણ આ મામલે તેમની સાથે જોડાયા હતા અને ત્રણ દિવસથી ઢોરપકડની કામગીરીથી અળગાં રહયા છે. ત્યારે આ મામલે ઝડપી ઉકેલ આવે તે શહેરના હીતમાં છે નહીંતર ગાંધીનગરમાં રખડતાં ઢોરોના વધતાં આતંકના કારણે શહેર ઢોરવાડામાં ફેરવાઈ જાય તો નવાઈ નહીં.

Previous articleગાય દોડતાં ભૂવો પડયો : ગાય ભૂવામાં ખાબકી
Next articleકુંવારા નેતા ગોરી કાશ્મીરી યુવતી સાથે લગ્ન કરી શકે