શહેરના ટીપી-૧૩ના ગાંધીનગરમાં આજે એક વિચિત્ર ઘટના બની હતી. રખડતા કૂતરાનુ ઝૂંડ પાછળ દોડતાં ગાય જીવ બચાવીને આમ તેમ ભાગતી હતી અને એવામાં રોડ બેસી જતાં મસમોટો ૧૫ ફૂટ ઉંડો ભૂવો પડી ગયો હતા અને તે ભૂવામાં ગાય ખાબકી હતી. જોકે કૂતરાઓથી ગાયનો બચાવ થયો હતો, પરંતુ ભૂવામાં ગાય ફસાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડના લાશ્કરોએ રસ્તાની મદદથી ગાયને બહાર કાઢી હતી.
મંગળવારે વહેલી સવારે ૬ વાગ્યાના અરસામાં એક વિચિત્ર ઘટના બની હતી. સાતથી આઠ કૂતરાઓનુ ઝૂંડ ગાંધીનગરમાંથી પસાર થતી એક ગાયની પાછળ દોડયાં હતા અને કૂતરાઓને જોઈને ગાય જીવ બચાવીને દોડાદોડ કરી હતી. ગાંધીનગરની ગલીઓમાં આમ તેમ ગાય ભાગતી હતી. એ દરમિયાન એકાએક રોડ બેસી ગયો હતો અને ૧૫ ફૂટ ઉંડો ભૂવો પડી ગયો હતો. જેમાં ગાય ખાબકી હતી. અંદાજે ૧૨ ફૂટ પહોળો અને ૧૫ ફૂટ ઉંડા ભૂવામાં ગાય પડી ગઈ હોવાની જાણ થતાં સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતાં. તેમજ કોંગ્રેસના સ્થાનિક કોર્પારેટર જ્હાં ભરવાડ પણ સ્થળ પર દોડી ગયા હતા અને આ બાબતે ફાયર બ્રિગેડને સવારે ૬.૩૦ કલાકે જાણ કરી હતી. એ પછી ઉત્તર ઝોનના કાર્યપાલકને ભૂવા બાબતે જાણ કરાતા ફાયર બ્રિગેડના લશ્કરો સ્થળ પર દોડી ગયા હતાં અને રસ્તાનો ગાળીયો બનાવીને ગાયને મહામુસિબતે બહાર કાઢી હતી અને ભૂવો પૂરવાની તાત્કાલીક અસરથી કામગીરી શરૂ કરાઈ હતી