કલમ ૩૭૦ની નાબૂદી બાદ જમ્મુ કાશ્મીરને મળેલા વિશેષાધિકાર ખતમ થઇ ગયા બાદ અને રાજ્યની ફેરચરના બાદ કાશ્મીરમાં કલમ ૧૪૪ અમલી કરવામાં આવેલી છે. ખીણમાં સુરક્ષા અભૂતપૂર્વ રાખવામાં આવી છે. હાલમાં માર્ગો પર સન્નાટો છે. આવી સ્થિતિમાં કેટલાક એવા વિડિયો આવ્યા છે જે સરકારની સાથે સાથે દેશના તમામ લોકોને ખુબ રાહત આપે છે. વિડિયોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ કાશ્મીરી લોકો સાથે શેરીઓમાં ફરતા નજરે પડી રહ્યા છે. તેમની સાથે ભોજન કરતા નજરે પડી રહ્યા છે. કાશ્મીરી લોકો પણ તેમની સાથે વિસ્તારપૂર્વક વાતચીત કરતા નજરે પડી રહ્યા છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ એવી દહેશત હતી કે રાજ્યમાં સ્થિતિ બગડી શકે છે. જમ્મુ-કાશ્મીર રાજ્યને બે ભાગમાં વહેંચી લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના બિલને સંસદના બંને ગૃહમાં મળી ગયા પછી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે કાશ્મીરના શોપિયાંમાં પહોંચ્યા હતા. અહીં તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી અને તેમની સાથે બિરિયાની પણ ખાધી હતી.
ડોભાલની તસવીર દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે. અજીત ડોભાલે સ્થાનિક લોકો સાથે કલમ-૩૭૦ અને કલમ-૩૫એની જોગવાઈઓ દૂર કરવાથી જમ્મુ-કાશ્મીરના લોકોને શું ફાયદો થશે તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અહીં તેઓ સુરક્ષા દળોને પણ મળ્યા હતા અને તેમની સાથે પણ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે વાતચીત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ની જોગવાઈઓ દૂર કરી દીધા પછી એનએએસ ચીફ અજીત ડોભાલ અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહ બુધવારે શોપિયાં પહોંચ્યા હતા. અહીં, તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવાની સાથે-સાથે શહેરની પણ મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકોને પણ મળ્યા હતા. આ અગાઉ અજીત ડોભાલે મંગળવારે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે રાજભવનમાં મુલાકાત કરી હતી.