પાટનગરમાં ગેરકાયદે બાંધકામ અને હેતુફેર વપરાશના મુદ્દે હાઇકોર્ટે સ્થાનિક તંત્રો અને સરકારને પણ ફટકાર લગાવી છે અને છેલ્લે આ જવાબદારી મહાપાલિકાની નિયત કરતો આદેશ પણ કર્યો છે. પરંતુ મહાપાલિકા નોટિસ આપવાથી અને એકાદ બે એકમને સીલ મારી દઇને બાદમાં કોઇ કારણથી ચૂપી સાધી લેવામાં આવે છે.
અગાઉ સેક્ટર ૭માં એક તબિબને નોટિસ આપ્યા બાદ અને તાજેતરમાં બે મેડિકલ સ્ટોરને સીલ માર્યા બાદ મહાપાલિકાના અધિકારીઓએ જે પ્રકારે કામગીરી બંધ કરી છે, તેને મહાપાલિકા વર્તુળોમાં જ શંકાની નજરથી જોવામાં આવી રહી છે.
ભૂતકાળમાં સેક્ટર ૭ના વિસ્તારમાં રહેણાંક હેતુના પ્લોટ્સમાં સંખ્યાબંધ દવાખાના ધમધમતા થઇ ગયાં તેમાંથી કોઇને મહાપાલિકા સક્રિય થયાના ૯ વર્ષ દરમિયાન કોઇ જ આંચ આવી નથી. હકિકતે આ જવાબદારી મહાપાલિકાની બને છે. જે પ્લોટમાં દવાખાનું ચાલુ થાય તેની આસપાસમાં રહેતા પરિવારો માટે વ્યાપક પરેશાની ઉભી થતી હોય છે. આ મુદ્દે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સુધી અનેકવાર રજૂઆતો થયેલી છે. છેલ્લે બે વર્ષ પહેલા હાઇકોર્ટે આ મુદ્દાને ગંભીર ગણીને મહાપાલિકાની જવાબદારી ફીક્સ કરી હતી. ત્યારથી મહાપાલિકાના અધિકારીઓ અને પદ્દાધિકારીઓની મનસૂફી પ્રમાણે દંડા પછીડ કાર્યવાહી કરવામાં આવે છે અને ગમે ત્યારે બંધ કરી દેવાય છે.
સેક્ટર ૭માં એક દવાખાનાને સીલ કરાયા પછી તાજેતરમાં બે મેડિકલ સ્ટોરને પણ તાળા મારવામાં આવ્યા તે પછી અધિકારીઓને આ કામગીરી મહત્વની લાગી રહી નથી. પરંતુ મહાપાલિકા વર્તુળમાં આ મુદ્દે જુદી વાતો શરૂ થઇ છે. કોઇ તબિબે મુલાકાત કરી લીધા પછી મહાપાલિકાનું તંત્ર હાથ પર હાથ ધરીને બેસી ગયું છે. સેક્ટર ૭ પરથી ધ્યાન ભટકાવવા માટે જ નવેસરથી સેક્ટર ૨૪માં ગેરકાયદે બાંધકામના મુદ્દે નોટિસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો હોવાની ચર્ચા વ્યાપક બની છે.
સેક્ટર ૭માં એક તબિબને નોટિસ આપ્યા બાદ અને તાજેતરમાં બે મેડિકલ સ્ટોરને સીલ માર્યા બાદ મહાપાલિકાના અધિકારીઓએ જે પ્રકારે કામગીરી બંધ કરી દેવામા આવી છે જેના કારણે આ મામલે શહેરમા અનેકવિધ અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. મનપા તરફથી એક વખત પગલા લેવાયા બાદ ફરી તે અંગે આગળ કોઈ પગલા લેવામા નહિ આવતા હાલ આ અંગે મનપાના જવાબદાર વિભાગ સામે કેટલાંક સવાલો ઉભા થવા લાગ્યા છે આ અંગે શહેરની આમ જનતા તરફથી એવા પણ સવાલો થવા લાગ્યા છે કે તબીબ સામે પગલા લેવામા મનપા કેમ સાવ મૌન થઈ ગયુ છે. જો ખરેખર મનપા પગલા લેવા માગતી હોય તો કાયદેસર પગલા લેવા જોઈએ.