કલમ ૩૭૦ને નાબૂદ કરી દેવામાં આવ્યા બાદ પરેશાન અને હચમચી ઉઠેલા પાકિસ્તાન દ્વારા નાપાક હરકતો જારી રાખવામાં આવી છે. કોઇપણ અર્થ વગરના નિર્ણયો તેના દ્વારા લેવાનો સિલસિલો જારી રાખવામાં આવ્યો છે. આજે પણ પાકિસ્તાને અનેક એવા નિર્ણય લીધા હતા જેના લીધે ઉશ્કેરણીજનક ગતિવિધિ જારી રાખવાના પાકિસ્તાનના ખતરનાક ઇરાદાનો સંકેત મળે છે. આજે પાકિસ્તાને ભારત સાતે સમજોતા એક્સપ્રેસ ટ્રેન સેવા સસ્પેન્ડ કરી દીધી હતી. આ ઉપરાંત ભારતીય ફિલ્મો ઉપર પણ પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી હતી. સાથે સાથે પોતાના એર સ્પેસના એક કોરિડોરને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ તમામ નિર્ણયો એક પછી એક પાકિસ્તાન દ્વારા લેવામાં આવ્યા છે જે દર્શાવે છે કે, પાકિસ્તાન જમ્મુ કાશ્મીરના લોકોને ઉશ્કેરવા માટે કેટલી હદ સુધીના પ્રયાસો કરી રહ્યું છે. ઇસ્લામાબાદે નવી દિલ્હી સાથે તેના રાજદ્વારી સંબંધોને તોડી નાંખ્યા બાદ આજે પાકિસ્તાનના રેલવેમંત્રી શેખ રશીદ અહેમદ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ભારત સાથે સમજોતા એક્સપ્રેસ ટ્રેનને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, સમજોતા એક્સપ્રેસ સર્વિસ હવે ઓપરેટ થશે નહીં. સમજોતા એક્સપ્રેસના ડબ્બાઓનો ઉપયોગ હવે ઇદના પ્રસંગે પ્રવાસ કરી રહેલા યાત્રીઓ માટે કરવામાં આવશે. અગાઉ ભારતીય કર્મચારીઓ અને ગાર્ડને મુકવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસને વાઘા સરહદ ઉપર અટકાવી દીધી હતી. પાકિસ્તનથી આ ટ્રેન આજે પરત આવનાર હતી. આમા અનેક લોકો ફસાઈ ગયા હતા. પાકિસ્તાને ભારતની સરહદ ઉપર પોતાના ગાર્ડ અને ડ્રાઇવરને મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, ભારત પોતાના ડ્રાઇવર અને ગાર્ડ મોકલે તે જરૂરી છે. પાકિસ્તાનની આ હરકતના કારણે ટ્રેનમાં રહેલા યાત્રી અસમંજસની સ્થિતિમાં મુકાયા હતા. આ પહેલા પાકિસ્તાને બાલાકોટમાં ભારતે હવાઈ હુમલા કર્યા બાદ સમજોતા એક્સપ્રેસ ટ્રેન રોકી દીધી હતી.
જો કે, ચોથી માર્ચના દિવસે આ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી હતી. પાકિસ્તાને સુરક્ષાના કારણોસર આ ટ્રેનને અટારી લાવવામાં અસમર્થતા દર્શાવી હતી. સમજોતા એક્સપ્રેસ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દિલ્હીથી અટારી વચ્ચે પાકિસ્તાન પાકિસ્તાનના લાહોર વચ્ચે દોડે છે. લાહોરથી સોમવાર અને બુધવારે રવાના થાય છે. શિમલા સમજૂતિ બાદ ૨૨મી જુલાઈ ૧૯૭૬ના દિવસે આ ટ્રેન શરૂ કરાઈ હતી. પાકિસ્તાન દ્વારા ભારતીય ફિલ્મો ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કાશ્મીરમાં કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ હચમચી ઉઠેલા પાકિસ્તાને એકપછી એક નિર્ણય કરવાની શરૂઆત કરી છે. હેવ પાકિસ્તાને પોતાના એરસ્પેસના એક કોરિડોરને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે વિદેશી ઉડાણોને હવે ૧૨ મિનિટનો વધારાનો સમય લાગશે. પાકિસ્તાન હાલમાં ભારે પરેશાન દેખાઇ રહ્યુ છે. તે મજબુર પણ છે. આ પ્રકારના નિર્ણય કરીને તેને કોઇ ફાયદો થનાર નથી. પાકિસ્તાની એરસ્પેસ પરથી ઇર ઇન્ડિયાની દરરોજ ૫૦ ફ્લાઇટ પસાર થાય છે. જો કે ભારતે કહ્યુ છે કે આના કારણે કોઇ વધારે અસર થનાર નથી. લાહોર રીઝનમાં વિદેશી વિમાનોને ૪૬ હજાર ફુટથી નીચે ઉડાણ ભરવાની કોઇને મંજુરી આપવામાં આવશે નહીં. પાકિસ્તાને પહેલા પણ ભારતે બાલાકોટમાં હવાઇ હુમલા કર્યા ત્યારે આવો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને ગઇકાલે કેટલાક નિર્ણય કર્યા હતા. જેના ભાગરૂપે ભારત સાથે દ્ધિપક્ષીય વેપાર સંબંધોને તોડી દેવાની જાહેરાત કરી હતી. સાથે સાથે રાજદ્ધારી સંબંધોને પણ તોડી દીધા છે. આ ઉપરાંત ઇસ્લામાબાદે ભારતીય હાઇ કમીશનરને પણ પાછા મોકલી દીધા છે. પાકિસ્તાનમાં આજે એનએસસીની બેઠક યોજાઇ હતી. જેમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. ઇમરાને કહ્યુ હતુ કે ભારતમાં કાશ્મીરીઓને મિટાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. તે કાશ્મીરમાં વંશીયરીતે મુસ્લિમોનો સફાયો કરી શકે છે. સ્થિતિઓને જોઇને લાગે છે કે ફરી પુલવામાં જેવી ઘટના થશે. પછી તે મારા પર આરોપ લગાવશે કે વધુ એક એરસ્ટ્રાઇક કરીશું. આપણે ફરી પાછો તેનો જવાબ આપીશુ. પછી યુદ્ધ થશે. અમે લોહીના છેલ્લા ટીપા સુધી લડીશું. પાકિસ્તાન ત્રાસવાદીઓની સાથે કાર્યવાહી કરવાના બદલે બિનજરૂરી હોબાળો મચાવી રહ્યુ છે. પાકિસ્તાનને લઇને હાલમાં સાવધાન રહેવાની જરૂર છે.