જમ્મુ કાશ્મીરમાં નવો સુર્યોદય : મોદી

466

જેની ઉત્સુકતાપૂર્વક આજે રાહ જોવામાં આવી રહી હતી તે કાશ્મીરના મુદ્દા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે આઠ વાગે રાષ્ટ્રના નામ સંબોધન કરીને વિસ્તારપૂર્વક આ અંગે માહિતી આપી હતી. મોદીએ પોતાના સંબોધનમાં કલમ ૩૭૦ દૂર કરવાને લઇને મોટી સફળતા ગણાવી હતી. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, કલમ ૩૭૦ના કારણે જમ્મુ કાશ્મીરના લોકો અને રાજ્યના વિકાસ પ્રક્રિયા સંપૂર્ણપણે અટકી ગઈ હતી. આ કલમના કારણે જ આતંકવાદ અને અલગતાવાદીઓને પ્રોત્સાહન મળ્યું હતું. આના કારણે જ જમ્મુ કાશ્મીરના યુવાનોનું જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. જમ્મુ કાશ્મીરમાં હવે એક નવા સૂર્યોદયની શરૂઆત થઇ છે. રાજ્યના લોકોના જીવનને સરળ અને સમૃદ્ધ બનાવવાના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. કલમ ૩૭૦ની નાબૂદી બાદ સાવચેતીના પગલારુપે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ સામાન્ય જનજીવન વહેલીતકે ગોઠવી દેવામાં આવશે. સ્થાનિક લોકો મુશ્કેલી ઉઠાવીને પણ વ્યવસ્થામાં સાથ આપી રહ્યા છે. કલમ ૩૭૦ દૂર કરવામાં આવ્યા બાદ સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી પગલા ઉઠાવવામાં આવ્યા હતા જે લોકો ચુકાદાથી અસહમત છે તેમનું પણ અમે સન્માન કરીએ છીએ.લડાખ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા બાદ ત્યાના લોકોને રોજગારીની સારી તકો મળશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિકાસની ગતિ તીવ્ર બનશે. પહેલા જમ્મુ કાશ્મીરમાં ફિલ્મોનું શૂટિંગ મોટાપાયે કરવામાં આવતું હતું. હવે ફરીવાર કલમ ૩૭૦ની નાબૂદી બાદ આ દિશામાં પહેલ થશે. મોદીએ જમ્મુ કાશ્મીરમાં ફિલ્મોનું શૂટિંગ કરવા ફિલ્મ નિર્માતાઓને પણ અપીલ કરી હતી. મોદીએ ખાતરી આપતા કહ્યું હતું કે, જે રીતે પંચાયતની ચૂંટણી પારદર્શિતાના માહોલમાં થઇ છે તેવી જ રીતે વિધાનસભાની પણ ચૂંટણી યોજાશે. અમે તમામ ઇચ્છીએ છીએ કે, આવનાર સમયમાં જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી યોજાય. નવી સરકારની રચના થાય. લોકોના પસંદગીના મુખ્યમંત્રી બને. મોદીએ જમ્મુ કાશ્મીરના લોકોને ખાતરી આપતા કહ્યું હતું કે, સંપૂર્ણ ઇમાનદારી સાથે પૂર્ણ પારદર્શિ માહોલમાં પોતાના પ્રતિનિધિ ચૂંટી કાઢવાની તક આપવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં રાજસ્વ ઘટાડાનો આંકડો ખુબ વધારો છે. રાજસ્વ નુકસાન ખુબ વધારે છે. કેન્દ્ર સરકાર એવી ખાતરી કરશે કે તેના પ્રભાવને ઘટાડવામાં આવે. કલમ ૩૭૦ના પરિણામ સ્વરુપે જમ્મુ કાશ્મીરના યુવાનોને આગળ આવવાની તક મળી રહી ન હતી. પરિવારવાદે ક્યારે પણ કોઇ તક આપી ન હતી. હવે જમ્મુ કાશ્મીરના લોકોને પુરતી તક મળશે. વિકાસના કામ માટે આગળ આવવા મોદીએ યુવાનોને અપીલ કરી હતી. જમ્મુ કાશ્મીરના વહીવટીતંત્રમાં પારદર્શિતા લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે જેના લીધે આઈઆઈટી, આઈઆઈએમ, એમ્સ સહિત તમામ પ્રોજેક્ટોના કામમાં તેજી આવી રહી છે. કલમ ૩૭૦ની નાબૂદી બાદ તમામ ક્ષેત્રોમાં વિકાસની ગતિ ખુબ ઝડપથી આગળ વધશે. જમ્મુ કાશ્મીરના યુવાનોને ખાતરી આપતા કહ્યું હતું કે, ભવિષ્યમાં જનપ્રતિનિધિઓ પણ સ્થાનિક લોકોની વચ્ચેથી જ ચુંટાઈને આવશે. દેશના અન્ય રાજ્યોમાં લઘુમતિ સમુદાયના હિતની સુરક્ષા માટે માઇનોરિટી એક્ટ લાગૂ છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં આ વ્યવસ્થા હજુ સુધી ન હતી. દેશના અન્ય રાજ્યોમાં શ્રમિકોના હિતોની સુરક્ષા માટે મિનિમમ વેજેજ એક્ટની વ્યવસ્થા હતી પરંતુ હજુ સુધી આ વ્યવસ્થા જમ્મુ કાશ્મીરમાં ન હતી.

અગાઉની સરકારો મોટા દાવાઓ કરતી હતી પરંતુ જમ્મુ કાશ્મીરમાં કોઇ કલ્યાણ યોજનાઓ લાગૂ થતી નથી. શિક્ષણના અધિકારના લાભથી પણ જમ્મુ કાશ્મીરના બાળકો વંચિત હતા. દેશના અન્ય રાજ્યોમાં સફાઈ કર્મીઓ માટે સફાઈ કર્મચારી એક્ટની વ્યવસ્થા છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં સફાઈ કર્મીઓ આનાથી વંચિત હતા. દેશના મોટાભાગના કાયદાઓ જમ્મુ કાશ્મીરમાં અમલી બનતા ન હતા. છેલ્લા ત્રણ દશકના ગાળામાં ૪૨ હજાર નિર્દોષ લોકોના મોત જમ્મુ કાશ્મીરમાં થયા છે. જમ્મુ કાશ્મીર, લડાખની વિકાસ કામગીરી એવી ગતિ સાથે થઇ શકી નથી જેના માટે આ વિસ્તાર હકદાર હતા. કલમ ૩૭૦ અને કલમ ૩૫-એને લઇને દેશની સામે કેટલાક લોકોની ભાવનાઓ ભડકાવવાના કામ થઇ રહ્યા હતા. પાકિસ્તાન દ્વારા પણ કલમ ૩૭૦નો ઉપયોગ હથિયારની જેમ કરવામાં આવી રહ્યો હતો. સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકરના સપના હવે પૂર્ણ થઇ રહ્યા છે. મોદીએ જમ્મુ કાશ્મીરમાં લોકોના વિકાસ માટે શ્રેણીબદ્ધ કામ શરૂ થઇ રહ્યા છે તે અંગે માહિતી આપી હતી. ઇદના તહેવાર ઉપર લોકોને કોઇપણ તકલીફ ન થાય તે દિશામાં પણ પહેલ થઇ રહી છે. આવનાર દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થશે. લોકોની પરેશાની ઓછી થશે. આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહન આપવાના વિરોધમાં જમ્મુ કાશ્મીરના લોકો જ ઉભેલા છે તેવી વાત પણ તેઓએ કરી હતી.

Previous articleભારત સાથે સમજોતા એક્સપ્રેસ ટ્રેન સેવા પાકિસ્તાન દ્વારા રદ કરાઈ
Next articleભગવાન સોમનાથનો યજ્ઞદર્શન શૃંગાર