નર્મદા, તાપી, વિશ્વામિત્રી અને ઓરસંગ નદીમાં પૂરની સ્થિતિ

794

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ૪૮ કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે નર્મદા, ઓરસંગ, તાપી અને વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી જતા પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે, ત્યારે આ નદીના કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ અનેક ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વડોદરા, તાપી અને સુરત અને ભરૂચ જિલ્લાના ગામોમાં હજુ વરસાદ પડે તો ગંભીર સ્થિતિ ઉભી થઈ શકે છે. જ્યારે આજે છોટાઉદેપુરમાં છ ઈંચ જેટલો વરસાદ પડતા ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી હતી. જેને પગલે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઉકાઇ ડેમમાં ઉપરવાસમાંથી છ લાખ કયુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમમાં ૬૨ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. ડેમમાં લાખો કયુસેક પાણીની આવક થતાં ડેમમાંથી ચાર હાઇડ્રો યુનિટ ખોલી દેવાયા હતા. સાથે સાથે ઉકાઈ ડેમના ૧૧ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક થઇ છે. પાણીની આવક વધતા ડેમના ૧૦ દરવાજા ગુરુવારે મોડી રાત્રે ૧.૩૦ વાગ્યે ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ગત જોરદાર વરસાદ પડતાં હથનૂર ડેમના ૪૧ દરવાજા ખોલી ૩ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે તાપી નદીમાં પાણી વધી જતાં અક્કલકુવા, તળોદા, ધડગાવ, શહાદા તાલુકાની તમામ નદીઓમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. તેની સાથે સાથે તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રના જલગાંવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજ્યના તાપી અને સુરતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન અક્કલકુવા શહેરની વરખેડી નદીમાં પૂર આવતાં મહારાષ્ટ્ર ગુજરાત રાજ્યના બોર્ડર આવેલા અંકલેશ્વર બરહારપૂર નેશનલ હાઈ વે પર પાણી ફરી વળ્યા હતા. તેમજ નેશનલ હાઈ વે સાથે નજીકના રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. વડોદરા શહેરને પાણી પુરૂં પાડતા આજવા ડેમની સપાટી વધવાને પગલે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. જેને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો, નદી કાંઠાના વિસ્તારો સહિત તમામ નાગરિકોને સાવચેત રહેવા માટે કલેક્ટરે અપીલ કરી છે. તેમજ તકેદારીના જરૂરી પગલાં લેવા, જરૂર જણાય તો ઊંચાઇવાળા સલામત સ્થળે ખસવાની પણ સૂચના આપી છે. શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ ગઇ છે.

Previous articleકેરળ, મહારાષ્ટ્ર , કર્ણાટક સહિત જુદા જુદા રાજ્યોમાં પુરની સ્થિતી
Next articleફરીથી પૂરનો ભય : વિશ્વામિત્રી નદી ૧૮ ફૂટે પહોંચતા એલર્ટ