મહિલાઓના કલ્યાણ માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ અમલી બનાવવામાં આવી છે જેનો સહયોગ લઇ મહિલાઓ સમાજમાં માનભેર જીવન જીવી શકે છે. મહિલાઓનું કલ્યાણ એટલે મહિલાઓમાં પડેલી શક્તિઓના બહાર લાવવાનો પ્રયાસ. આ હેતુથી ઉજવવામાં આવતા મહિલા સશક્તિકરણ પખવાડિયાના નવમાં દિવસે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, વિદ્યાનગર,ભાવનગર ખાતે યોજાઇ. જેમાં વિવિધ સરકારી યોજનાઓ તેમજ કાર્યક્રમ બાબતે ચર્ચા કરવામાં આવી તેમજ કે.વી.કાતરિયા, જિલ્લા મહિલા અને બાળ અધકારી,ભાવનગર, તેમજ આર.કે. ઝાખણીયા, અને એસ.એ.રાઠોડ, દહેજ પ્રતિબંધક અધિકારી,ભાવનગર દ્વારા વિવિધ યોજના વિષે માહિતી આપવામાં આવી. જેમાં વ્હાલી દીકરી યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, અને વિધવા સહાય યોજના વિષે તેમજ વિવિધ કાયદાઓ જેમાં ઘરેલું હિંસા અધિનિયમ, કામના સ્થળે જાતીય સતામણી અધિનિયમ તેમજ સ્વચ્છતાના મુદ્દે ઉપસ્થિત મહિલાઓને માહિતગાર કરવામાં આવી જયારે પુનીતાબેન દ્વારા બહેનોને તાલીમ કાર્યક્રમ અંગેની માહિતી આપવામાં આવી.