આશરે છેલ્લા એક વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમમાથી બહાર ચાલી રહેલા બેટ્સમેન સુરેશ રૈનાએ પોતાના ઘૂંટણની સર્જરી એમ્સટરડૈમમાં કમારી છે. તે છેલ્લા કેટલાક સમયથી ઘૂંટણની ઈજાથી પરેશાન હતો. બીસીસીઆઈએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી સુરેશ રૈનાની તસવીર શેર કરીને શુક્રવારે આ વાતની જાણકારી આપી હતી.
બીસીસીઆઈએ ટ્વીટ કર્યું, ’સુરેશ રૈનાએ ઘૂંટણની સર્જરી કરાવી લીધી છે, જ્યાં તે કેટલાક મહિનાથી પોતાના ઘૂંટણમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. સર્જરી સફળ રહી અને તેને સ્વસ્થ થવામાં ૪થી ૬ સપ્તાહનો સમય લાગશે.’
૩૨ વર્ષીય રૈનાએ સર્જરીને કારણે આગામી ડોમેસ્ટિક સિઝન રમવી મુશ્કેલ લાગી રહી છે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં યૂપીને રણજી ટીમ માટે રમે છે.
ડાબા હાથનો આ બેટ્સમેન છેલ્લે ટીમ ઈન્ડિયાની જર્સીમાં પાછલા વર્ષે જુલાઈમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ લીડ્સમાં વનડે મુકાબલામાં જોવા મળ્યો હતો. સુરેશ રૈનાએ ટીમ ઈન્ડિયા માટે ૧૮ ટેસ્ટ, ૨૨૬ વનડે અને ૭૮ ટી૨૦ મેચ રમી છે. તેના નામે વનડેમાં ૩૬ વિકેટ પણ નોંધાયેલી છે.