ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને પગલે અસર થઇ રહી હોવાનું સામે આવ્યુ છે. જેમાં હિંમતનગરથી વિજાપુર વચ્ચે આવતો બ્રિજ જર્જરીત થતા દોડધામ મચી ગઇ છે. બ્રિજનો કેટલોક ભાગ તુટી જતાં એકમાર્ગીય રસ્તો કરી દેવાયો છે. જેનાથી ટ્રાફિક વ્યવસ્થાને મોટી અસર થઇ છે. આ સાથે હાથમતી નદી પરના બે કોઝ-વે પાણીમાં ગરકાવ થતા રસ્તો સદતંર બંધ કરવામાં આવ્યો છે.
સાબરકાંઠા જીલ્લામાં બે દિવસથી મેઘરાજાની મહેરબાનીને પગલે હાથમતી નદીમાં પાણીનો ભરાવો થઇ રહ્યો છે. છેલ્લા બે કલાકમાં ત્રણથી વધુ ઇંચ વરસાદને પગલે હિંમતનગરથી વિજાપુર હાઇવે અસરગ્રસ્ત થયો છે. હિંમતનગરથી ૧૫ કિલોમીટર દૂર માર્ગમકાન વિભાગનો બ્રિજ જર્જરીત થયાનું સામે આવ્યુ છે. બ્રિજના છેડાનો કેટલોક હિસ્સો તુટી જતાં રસ્તો એકમાર્ગીય કરી દેવામાં આવ્યો છે. જેનાથી હાઇવેપર વાહનોની હારમાળા સર્જાઇ છે.
હિંમતનગરની હાથમતી નદીમાં ભારે વરસાદને પગલે પુર જેવી સ્થિતિ બને તેવા એંધાણ છે. હાથમતી નદીમાં પાણીના ભરાવાને પગલે હિંમતનગર મહેતાપુરા અને હિંમતનગર ભોલેશ્વર કોઝ-વે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેનાથી બંને તરફ વાહનવ્યવહાર સહિતની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે કોઇ વાહનચાલક કે મુસાફર પસાર ન થાય તે માટે પણ વ્યવસ્થા ગોઠવાઇ છે.