ઉનાળા પૂર્વે નર્મદા ડેમમાંથી ડેડવોટર ખેંચવાની શરૂઆત

718
guj23-2-2018-1.jpg

ઉનાળા પહેલાં જ ગુજરાતમાં પાણીની તીવ્ર તંગી અને અછતના એંધાણ મળી રહ્યા છે. કારણ કે, હજુ ઉનાળો શરૂ થાય તે પહેલાં જ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી ડેડવોટર ખેંચાવાની શરૂઆત થઇ ગઇ છે. સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર ૧૧૦.૬૪ મીટર(૩૬૩ ફીટ) કરતાં પણ ૧૧૦.૧૯ મીટરની નીચી સપાટીએ જતુ રહેવાથી સરદાર સરોવર નિગમ લિમિટેડએ ગુજરાતમાં ઈરીગેશન બાયપાસ ટનલ(આઇબીપીટી)માંથી ગઇકાલે પાણી છોડવાનું શરૂ કર્યું હતું. હાલમાં ૧૧૦.૩૭ મીટરની સપાટીએ ત્રણ હજારથી નવ હજાર કયુસેક પાણી આઇબીપીટીમાં છોડવામાં આવી રહ્યું છે. આ જથ્થો અનેક શહેરો અને ગામડાઓને તા.૩૦ જૂન સુધી પાણીનો સપ્લાય પૂરો પાડશે એવુ મનાઇ રહ્યુ છે. અત્યારસુધીમાં સૌપ્રથમવાર એવું બન્યું છે કે, નર્મદા ડેમમાં ઘટેલા પાણીથી ઉભા થયેલા જળસંકટને નિવારવા ૧૭ વર્ષમાં સૌપ્રથમવાર સરદાર સરોવર નિગમની ઇરીગેશન બાયપાસ ટનલ(આઇબીપીટી)નો ઉપયોગ કરાશે. સરદાર સરોવર નિગમ લિમિટેડએ તેના રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ એમ બંને પાવર હાઉસ બંધ કરવા પડયા છે. બીજી ગંભીર ચિંતાની વાત એ છે કે, મુખ્ય કેનાલમાં તા.૧૫મી માર્ચ સુધી એટલે કે, રવિ પાકની ઋતુના અંત સુધી જ પાણી આવશે. તે પછી ખેડૂતોને ઉનાળામાં પાણીની માંગ ન કરવા જણાવી દેવાયું છે. આ ઉનાળે સિંચાઇનું પાણી આપવા માટે નર્મદા પાસે કોઇ વ્યવસ્થા નથી, નર્મદા બેઝીનમાં અત્યારે માત્ર ૪૫ ટકા જ પાણી ઉપલબ્ધ છે. સરદાર સરોવર નિગમ લિમિટેડના સૂત્રો દ્વારા જણાવાયું હતું કે, સામાન્ય્‌ રીતે રિવર બેડ પાવર હાઉસ જયારે પાણીના નીચેના સ્તરના કારણે બંધ હોય છે ત્યારે કેનાલ હેડ પાવર હાઉસ વીજ ઉત્પાદન માટે તે કેનાલમાં છોડાય તે પહેલાં ઉપયોગ કરી લે છે. જો કે, ડેમનો સંગ્રહ ડેડ સ્ટોરેજથી ઓછો ૧૧૦.૬૪મીટરનો થઇ ગયો છે. આથી મુખ્ય કેનાલમાં પાણી છોડવાની મર્યાદા આઠ હજાર કયુસેક કરી દેવામાં આવી છે. વધારાના ૬૦૦ કયુસેક પાણી ગોડબોલે ગેટમાંથી વહી રહ્યું છે, જે ભરૂચમાંથી વહેતી નર્મદામાં જાય છે. સરદાર સરોવર પ્રોજેકટના જાન્યુઆરી-૨૦૧૮ના અંતમાં આવેલા પ્રોગ્રેસ રિપોર્ટ મુજબ નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ ડેમના મુખ્ય દરવાજા તા.૧૬મી જૂને બંધ કરવાની અને ફુલ રિઝરવોય લેવલ માટે પાણી સંગ્રહ કરવા માટે પરવાનગી આપી છે. તા.૩૧ જાન્યુઆરીએ જળસપાટી ૧૧૨.૬૫મીટર હતી અને માર્ચ-૨૦૧૭થી કેનાલ હેડ પાવર હાઉસની ક્ષમતા ૫૪૪.૧૬૩ મેગાવોટ હતો. પહેલાના વર્ષમાં માર્ચ-૨૦૧૭ સુધીમાં સીએચપીએચએ ૬૧૦૧ય૭૪૧ મેગાવોટ પાવર જનરેટ કર્યો હતો. બીજીબાજુ, આરબીપીએચએ ૩૪૭૫૯ મેગાવોટ પાવર માર્ચ-૨૦૧૭ સુધીમાં જનરેટ કર્યો હતો. આ પ્લાન્ટ જૂનથી બંધ છે. છેલ્લા દાયકામાં ડેમની જળસપાટી સૌથી નીચી છે, તેથી પહેલીવાર એવું બન્યું છે કે, બંને પાવર હાઉસ બંધ કરવા પડયા છે. સરદાર સરોવર નિગમ લિમિટેડટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મધ્યપ્રદેશ ઓમકારેશ્વર જળસંગ્રહમાં પાણી છોડી રહ્યું હતું. પરંતુ આઇબીપીટીમાં પાણી છોડવાના નિર્ણયના કારણે પીવાનું પૂરતું પાણી મળી રહેશે. એકવાર નર્મદા ડેમનું લેવલ ૧૧૦.૬૪ મીટર કરતાં ઓછુ થઇ જાય તો પાવર હાઉસ ચલાવી શકાતા નથી. અત્યારે પાણી મુખ્ય કેનાલ અને આબીપીટી બંનેમાં છોડવામાં આવી રહ્યું છે. મુખ્ય કેનાલમાં તા.૧૫મી માર્ચ સુધી એટલે રવિ પાકની ઋતુના અંત સુધી પાણી આવશે. તે પછી ખેડૂતોને ઉનાળામાં પાણીની માંગ નહી કરવા જણાવાયું છે. આ ઉનાળે સિંચાઇનું પાણી આપવા માટે નર્મદા પાસે કોઇ વ્યવસ્થા નથી. નર્મદા બેઝીનમાં અત્યારે માત્ર ૪૫ ટકા જ પાણી ઉપલબ્ધ છે. મધ્યપ્રદેશ ૫૧૦૦ કયુસેક પાણી છોડી રહ્યું છે. આડેડ સ્ટોરેજમાં આ પાણી તા.૩૦ જૂન સુધી પૂરતું છે. ત્યારપછી આઇબીપીટીમાં પાણી છોડાશે. ગુજરાત પાસે તા.૩૦ જૂન સુધી પીવાના પાણીનો પૂરતો જથ્થો હોવાનો અધિકારીઓએ દાવો કર્યો હતો. 
 

Previous article કેટીએમ દ્વારા રાજકોટ ખાતે રોમાંચક સ્ટન્ટ શોનું આયોજન
Next articleબીબીઍ કૉલેજનાં ૪૬ વિદ્યાર્થીઓ SHAH ALLOYS Ltd (SAL) ની ઔધોગિક મુલાકાતે