જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબૂદી બાદ રાજ્યમાં સામાન્ય સ્થિતિ સ્થાપિત થઇ રહી છે. કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક નિર્ણય ઉપર કેન્દ્રીયમંત્રી અમિત શાહે આજે કહ્યું હતું કે, કલમ ૩૭૦થી કાશ્મીરને ક્યારે પણ કોઇ ફાયદો થયો ન હતો. કલમ ૩૭૦ને ખુબ પહેલા ખતમ કરી દેવાની જરૂર હતી પરંતુ આ કલમને હિંમતપુર્વક દૂર કરી શકાય ન હતી. મોદી સરકારે આ હિંમત દર્શાવીને કલમ ૩૭૦ને દૂર કરી દીધી છે. અમિત શાહે કહ્યું હતું કે, રાજ્યસભામાં તેમને બિલને લઇને ધાંધલ ધમાલનો ભય હતો જેથી રાજ્યસભામાં પહેલા આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ચેન્નાઈમાં રાજ્યસભાા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પર પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે, ગૃહમંત્રીના રુપમાં કલમ ૩૭૦ને દૂર કરવાને લઇને નિર્ણય લેતી વેળા તેમના મનમાં કોઇપણ અસમંજસની સ્થિતિ ન હતી. કાશ્મીર પર શું અસર થશે તેને લઇને પણ કોઇ ચિંતા નહતી. સરકાર પહેલાથી જ માની રહી હતી કે, કાશ્મીરમાં ખુશાલી આવશે અને લોકોના જીવન ધોરણમાં સુધારો થશે. જમ્મુ કાશ્મીર વધારે વિકસિત થઇને આગળ આવશે. કાશ્મીરમાંથી આતંકવાદનો ખાત્મો થશે. વિકાસના માર્ગ ઉપર ખીણમાં પ્રગતિ થશે. શાહે નાયડુનો આભાર વ્યક્ત કરતા કહ્યં હતું કે, રાજ્યસભામાં અમારી પૂર્ણ બહુમતિ નથી જેથી અમે નિર્ણય લઇ ચુક્યા હતા કે, પહેલા રાજ્યસભામાં જ આ બિલને રજૂ કરવામાં આવશે. ત્યારબાદ લોકસભામાં રજૂ કરવામાં આવશે. વેંકૈયા નાયડુએ રાજ્યસભાના ગૌરવને નીચે જવા દીધું નથી. શાહે એમ પણ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાંથી હવે આતંકવાદ ખતમ થશે. પાંચમી ઓગસ્ટના દિવસે કેન્દ્રીયમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની કલમ એકને બાદ કરતા તમામ કલમોને દૂર કરવાની ભલામણ કરી હતી. સાથે સાથે જમ્મુ કાશ્મીર અને લડાખને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કરવાની જાહેરાત કરી હતી. આને લઇને ફેરરચના બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ લોકસભા અને રાજ્યસભા બંને જગ્યાએ પાસ થઇ ચુક્યું છે.
રાજ્યસભામાં કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હોવા છતાં આ બિલ પાસ થઇ ગયું હતું. કલમ ૩૭૦ પર થયેલા ઐતિહાસિક નિર્ણય બાદ કાશ્મીર ખીણમાં સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ હળવી બની રહી છે. મિડિયા સાથે વાતચીત કરતા રાજ્યપોલીસના એડીજી એસજેએમ ગિલાનીએ કહ્યું છે કે, સ્થિતિમાં સુધારાને ધ્યાનમાં લઇને કર્ફ્યુમાં રાહત આપવામાં આવી રહી છે. કલમ ૩૭૦ની નાબૂદી બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલને મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. લોકોમાં આત્મવિશ્વાસ જગાવવા અજિત દોભાલ સતત જમ્મુ કાશ્મીરમાં નજરે પડી રહ્યા છે. અજિત દોભાલે સૌથી પહેલા સોપિયનનમાં અને ત્યારબાદ અનંતનાગમાં લોકોની વચ્ચે રહીને કલમ ૩૭૦ની નાબૂદીના સંદર્ભમાં લોકો સાથે વાત કરી હતી. આ કલમની નાબૂદી બાદ રાજ્યમાં કઇરીતે વિકાસ થશે તેને લઇને પણ માહિતી લોકોને આપી હતી. રાજ્યના લોકોના હિતમાં નિર્ણય કરાયો હોવાની માહિતી પણ આપી હતી.
બકરી ઇદ તહેવાર ઉપર આજે કર્ફ્યુમાં રાહત આપવા નિર્ણય
જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવ્યા બાદ આવતીકાલે બકરી ઇદ પર્વની ઉજવણી થનાર છે. બકરી ઇદ પહેલા સામાન્ય લોકોને ઉજવણીમાં કોઇ તકલીફ ન પડે તે માટે કાશ્મીર ખીણના અનેક જિલ્લાઓમાં સંચારબંધી હળવી કરવામાં આવી છે. જો કે, અજંપાભરી શાંતિ કાશ્મીર ખીણમાં પ્રવર્તી રહી છે. આવતીકાલે સામાન્ય લોકોના મૂડને પણ જાણી શકાશે. બકરી ઇદના તહેવારને ધ્યાનમાં લઇને તહેવારમાં કોઇ અડચણ ઉભી ન થાય તેવા પ્રયાસ તંત્ર દ્વારા થઇ રહ્યા છે. શ્રીનગર, અનંતનાગ અને બડગામ જિલ્લામાં લોકોને રસ્તા પર લોકોને બહાર નિકળવાની મંજુરી પણ આપવામાં આવી છે. સામાન્ય લોકો ઇદ પહેલા બજારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદતા નજરે પડ્યા હતા. બીજી બાજુ બકરી ઇદના પર્વ પર સ્થાનિક લોકોમાં કોઇપણ પ્રકારની દહેશત ન રહે તે માટે પણ પ્રયાસ થઇ રહ્યા છે. સ્કુલ અને કોલેજો પણ ખુલી ચુકી છે. ઉપરાંત સરકારી કર્મચારીઓને સમયસર ઓફિસ પહોંચવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. અલબત્ત સાવચેતીના પગલારુપે જમ્મુ કાશ્મીરમાં હજુ પણ પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે.
પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કૃત્યો જારી રાખવામાં આવ્યા બાદ હાલમાં સાવચેતી જરૂરી દેખાઈ રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ દ્વારા પોતાના વિશ્વસનીય લોકો પાસેથી માહિતી મેળવવાની પ્રક્રિયા જારી રહી છે. તેમના સૂચન મુજબ જ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. જમ્મુ કાશ્મીરની સાથે સાથે તંગદિલીગ્રસ્ત કાશ્મીર ખીણની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. જમ્મુના મોટાભાગના વિસ્તારોમાંથી સંચારબંધી દૂર કરી દેવામાં આવી છે.
જમ્મુ કાશ્મીર : લોકોના ઘર સુધી ઉપયોગી વસ્તુ પહોંચી
ઇદ ઉલ અજાહાથી પહેલા જમ્મુ કાશ્મીર સરકાર લોકોને દરેક પ્રકારની સુવિધા આપવામાં લાગેલી છે. કલમ ૩૭૦ની નાબૂદી થયા બાદ જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓ લોકોના ઘર સુધી પહોંચાડવામાં વ્યસ્ત છે. સરકારી વાહનો દ્વારા લોકોના ઘર સુધી શાકભાજી, એલપીજી, ચિકન, ઇંડા પહોંચાડવામાં આવી રહ્યા છે. સરકારે તમામ જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક જમા કર્યો છે. સરકારની પાસે આશરે ૬૫ દિવસ સુધી ચાલે તેટલા પ્રમાણમાં ઘઉંનો જથ્થો, ૫૫ દિવસ સુધી ચાલે તેટલા પ્રમાણમાં ચોખાનો જથ્થો, ૧૭ દિવસ સુધી ચાલે તેટલા પ્રમાણમાં મીટનો જથ્થો અને એક મહિના સુધી ચાલે તેટલા પ્રમાણમાં ચીકનનો જથ્થો રહેલો છે. એક મહિના સુધી ચાલે તેટલા પ્રમાણમાં એલપીજી અને ૨૮ દિવસ સુધી ચાલે તેટલા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો રહેલો છે. ઇદને લઇને આશરે ૩૦૦ ટેલિફોન બૂથ બનાવવામાં આવ્યા છે જેના મારફતે સામાન્ય લોકો પોતાના સંબંધીઓ સાથે વાતચીત કરી શકશે. કાશ્મીર ખીણમાં સ્થિત પોતાના પરિવારો સાથે વાતચીત કરાવવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બકરી ઇદને લઇને આજે બજારમાં ભીડ જામી હતી. રામબાણ અને કિસ્તવાર જિલ્લાઓમાં ભારે ખરીદી થઇ હતી. બેકરી, પોલ્ટ્રી અને મટનની દુકાનો ખુલ્લી રહી હતી.
આ ઉપરાંત શ્રીનગર શહેરમાં વાહન વ્યવહાર પણ સામાન્ય છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે ઇદના એક દિવસ પહેલા લોકોને શુભેચ્છા પાઠવી છે. રજાઓમાં પણ બેંકની સુવિધા આપવામાં આવી રહી છે. એટીએમ યોગ્યરીતે કામ કરી રહ્યા છે. એટીએમમાં પુરતા પ્રમાણમાં નાણા મુકવામાં આવી રહ્યા છે. તમામ કર્મચારીઓના વેતન અને અન્ય સુવિધાઓ આપી દેવામાં આવી છે. જીપી ફંડ, પેન્શન અને ગ્રેજ્યુએટીની ચુકવણી કરવામાં આવી રહી છે.