કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી અને ત્યારબાદ ઝડપી બોલર ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડિઝ પર બીજી વનડે મેચમાં જીત મેળવી હતી. ભારતે ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાયેલી વરસાદગ્રસ્ત મેચમાં વેસ્ટ ઇન્ડિઝ પર ૫૯ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૨૮૦ રન બનાવ્યા હતા. જો કે વેસ્ટ ઇન્ડિઝની ઇનિગ્સ દરમિયાન જ્યારે ૧૨.૫ ઓવરની રમત થઇ હતી ત્યારે વરસાદ વિલન બન્યો હતો. જેના કારણે રમત રોકી દેવાની ફરજ પડી હતી. ત્યારબાદ ડકવર્થ લુઇસ પદ્ધિતીનો ઉપયોગ કરીને ટાર્ગેટમાં સુધારો કરવામાં આવ્યો હતો. ડકવર્થ લુઇસ પદ્ધિતના આધાર પર વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે ૪૬ ઓવરમાં ૨૭૦ રનની જરૂર હતી. જો કે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ૪૨ ઓવરમાં ૨૧૦ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ભુવેનશ્વરે આઠ ઓવરમાં ૩૧ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. ૧૨૦ રનની ઇનિગ્સ રમનાર વિરાટ કોહલીની મેન ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામા ંઆવી હતી. યજમાન ટીમની શરૂઆત ખુબ ધીમી રહી હતી. નવમાં ઓવરમાં વિન્ડીઝે ૪૫ રન કર્યા હતા. એ વખતે ક્રિસ ગેઇલ ૧૧ રન કરીને આઉટ થયો હતો. ક્રિસ ગેઇલ અહીં એક રેકોર્ડ પોતાના નામ પર કરી ગયો હતો. તે વેસ્ટ ઇન્ડિઝ તરફથી સૌથી વધારે વનડે રન બનાવનાર ખેલાડી બની ગયો હતો. આની સાથે જ તે વિક્રમી બેટ્સમેન બ્રાયન લારાના રેકોર્ડને તોડી પાડવામાં સફળ રહ્યો હતો. ગેઇલ બાદ હોપ માત્ર છ રન બનાવીને આઉટ થયો હતો. વેસ્ટ ઇન્ડિઝ તરફથી લુઇસે સૌથી વધુ ૬૫ રન બનાવ્યા હતા. લુઇસે ૮૦ બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની સાથે ૬૫ રન કર્યા હતા. આ પહેલા મેચમાં સવારે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે નિર્ધારિત ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૭૯ રન કર્યા હતા. ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. શિખર ધવન માત્ર બે રન કરીને આઉટ થયો હતો. ભારત તરફથી અય્યરે પણ શાનદાર બેટિંગ કરી હતી. અય્યરે ૭૧ રન કર્યા હતા. અય્યરે ૬૮ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી શાનદાર બેટિંગ કરી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મેચમાં વરસાદ વિલન બનતા ભારતીય ચાહકો નિરાશ થયા હતા. જો કે મેચમાં ઓછી ઓવર કાપમાં આવી હતી. આ મેચમાં મુખ્ય વિશેષતા વિરાટ કોહલી રહી હતી. વિરાટ કોહલીએ વધુ એક શાનદાર સદી ફટકારી હતી. ભારતીય ટીમે હવે વેસ્ટ ઇન્ડિઝ પર ૧-૦ની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી રોહિત શર્મા અને શિખર ધવન ફ્લોપ રહ્યા હતા. રિશભ પંત પણ ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝના બોલર નિષ્ફળ રહ્યા હતા. વિરાટ કોહલી સતત શાનદાર બેટિંગ કરી રહ્યો છે. વનડે ક્રિકેટમાં તે સચિન તેન્ડુલકરના સૌથી વધારે સદીના રેકોર્ડ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. કોહલી અને અય્યરે ચોથી વિકેટની ભાગીદારીમાં ૧૨૫ રન ઉમેર્યા હતા. કોહલી ૧૨૫ બોલમાં ૧૪ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી રન કરી આઉટ થયો હતો. કોહલી અને રોહિત શર્માએ બીજી વિકેટની ભાગીદારીમાં ૭૪ રન કર્યા હતા.