જમ્મુ કાશ્મીરના પ્રશ્ને એકીકરણનું સપનું પૂર્ણ થયું છે : મનસુખ માંડવીયા

469

કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપાના પ્રદેશ મહામંત્રી મનસુખ માંડવીયાએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ કે, કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩૫એ દૂર કરવાના ઐતિહાસિક નિર્ણય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હદયપૂર્વકના લાખ લાખ અભિનંદન પાઠવં્‌ છું. આ નિર્ણય ‘એક રાષ્ટ્ર એક બંધારણ’ ની વિભાવનાને નૈતિક પીઠબળ પુરું પાડતો આઝાદી પછીનો ઐતિહાસિક નિર્ણય છે. દેશ અને દુનિયામાં વસતાં કરોડો ભારતીયોના મન-હદયમાં કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની રહે તે પ્રકારની વર્ષોથી પડી રહેલી ઇચ્છા હવે પૂર્ણ થઇ છે. આઝાદીના ૭૦ વર્ષ બાદ કાશ્મીરના એકીકરણનો અભૂતપૂર્વ નિર્ણય એ કાશ્મીરી પંડિતોની અનંત લડાઇનો આદર અને આતંકીઓ સામે લડતાં શહીદોનું સન્માન છે. રાષ્ટ્રપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું કાશ્મીરના મુદ્દે ભારતના એકીકરણનું અધુરું રહેલું સ્વપ્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સાકાર થયું છે. માંડવીયાએ જણાવ્યુ હતુ કે, જનસંઘના સમયથી જ ભાજપાના એજન્ડામાં જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો બની રહે તે માટેના પ્રયાસો હતા, જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીએ ‘એક દેશ મેં દો નિશાન, દો વિધાન અને દો પ્રધાન નહીં ચલેગા’ના નારા સાથે આંદોલન કરતા પોતાના પ્રાણનું બલીદાન આપ્યુ હતુ.

દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા એ ભાજપાનો મુખ્ય એજન્ડા રહ્યો છે. આઝાદીના ૭૦ વર્ષો સુધી ભારતની એકતા અને અખંડિતતા માટે જે કામ કોંગ્રેસે ન કર્યું તે ઐતિહાસિક કાર્ય કેન્દ્રની ભાજપા સરકારે કરી બતાવ્યુ છે. કોંગ્રેસના જવાહરલાલ નેહરૂ દ્વારા કાશ્મીરના ગઠન વખતે થયેલી ભયંકર ભુલોને આજે કેન્દ્રની ભાજપા સરકારે રાષ્ટ્રહિત માટે સુધારી દેશની અખંડિતતા અને સુરક્ષા માટેની કટિબધ્ધતા દર્શાવી છે. માંડવીયાએ જણાવ્યુ હતુ કે, આર્ટિકલ ૩૭૦ હેઠળ દેશનો કોઇપણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતો નહોતો, પરંતુ આ કલમ રદ થતાં દેશનો કોઇપણ નાગરિક સંપત્તિ ખરીદી શકશે. કલમ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરને અલગ ઝંડાની જોગવાઇ હતી અને દેશનો કોઇપણ કાયદો ત્યાં લાગુ પડતો નહોતો. રાજયમાં આરટીઆઇ અને સીએજી જેવા કાયદાઓ લાગુ પડતા નહોતા.

કલમ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરને અલગ બંધારણ બનાવવાની જોગવાઇ હતી અને ૧૭ નવેમ્બર, ૧૯૫૬ના રોજ અલગ બંધારણ લાગુ થયુ હતુ. જમ્મુ-કાશ્મીરની મહિલા કોઇ બહારના વ્યક્તિ સાથે લગ્ન કરી શકતી નહોતી, જો મહિલા રાજ્ય બહાર લગ્ન કરે તો તેને સંપત્તિમાંથી વંચિત કરી દેવામાં આવતી હતી. કલમ ૩૭૦ને કારણે અલગાઁવવાદી, આતંકવાદીઓને સંપૂર્ણ પ્રોત્સાહન મળતું હતું, આતંકવાદી સંસ્થાઓ અને પાકિસ્તાન તરફી બેનરો સાથે ભારત વિરુધ્ધ સૂત્રોચ્ચારો અને આંદોલન થતાં હતાં. ભારતનાં રાષ્ટ્રધ્વજને બાળી નાંખે કે તેનું અપમાન કરવામાં આવે તો કોઈપણ પ્રકારનો ગુનો બનતો નહોતો.

Previous articleગુજરાત મધ્યસ્થીથી કેસનો ઉકેલ લાવવામાં આગળ છેઃ જસ્ટિસ બોબડે
Next articleગુજરાતના અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદ  : ૫૧ જળાશય એલર્ટ પર