તમારી આંતરદૃષ્ટિનો પ્રકાશ અન્યનો અંધકાર મિટાવવા પાથરો. તે પ્રકાશ અન્યના માર્ગને ઉજાળશે. તમારા દુઃખને સંકેલી લઇ, તેને ભોમાં ભંડારી દો. દુઃખરૂપી દાવાનળ શમી જશે. જરૂર પડ્યે તેનો અંગારો કોઈનું ભોજન તૈયાર કરવા અગ્નિ પ્રગટાવવા જરૂર આપવાનું રાખો. કારણ કે ‘જયોત સે જ્યોત જલતી હી રહની ચાહીએ’ સહિયારા પ્રયાસથી ઘોર અંધકારને પણ મિટાવી શકાય છે. એક નાનકડી દીવાસળી આખું જંગલ સળગાવી શકે છે. આ દીવાસળી પણ અનેક જખમો સહન કરી દીવાસળીનું રૂપ પામી શકી હોય છે. જે દુઃખોને ગળી જવા તત્પર રહે છે. તે અન્યના સુખના પ્રદેશો સજાવી શકે છે. યોગ્ય ઘાટ ધારણ કરવા મુસીબતરૂપી કસોટીની એરણ પર ચડવું પડે છે. આંખોના ભયંકર દુઃખાવા પછી ભયાનક ટાઈયફોડ તાવના લીધે ચર્મચક્ષુ ગુમાવા સાથે અંધાપાનો ભોગ બનવું પડ્યુ. જોકે સમજના અભાવે તેનું દુઃખ સહન કરવાનું આવ્યું હશે તે કંઈ યાદ આવતું નથી. તે પણ ઇશ્વરની મારા પરની કૃપાદૃષ્ટિ જ કહેવાય. એકાએક આવેલું અંધત્વ પચાવાની શક્તિ મને અને મારા પરિવારને ઇશ્વરે આપી મારું ઉત્તમ ઘડતર થઈ શકે તે માટે અવનવી દિશાઓ ખોલી પ્રગતિના દ્વાર ખોલી આપ્યા. તે પણ ઇશ્વરની મારા પરની કૃપા જ છે. બાળપણના પ્રસંગો જ્યારે મને મારા પરિવાર કે પરિચિતો પાસેથી જાણવા મળે છે, ત્યારે કબીરા જેવી મારી હાલાત થાય છે. કબીરજી થાકીને ઊંધી જતા પણ જાગ્રત થતા તે દુઃખી થઈ જતા. ઇશ્વરનું નામ જપવાના બદલે નિંદરનું સુખ લેવું તેના માટે શરીર સુખ ભોગવવાનો સ્વાર્થ હતો. તેથી જાગૃત થતા જ તેઓ ચોધાર આંસુએ રડી પડતા હતા. મને પણ જ્યારે ઇશ્વરના બાળપણના ઉપકારો વિશે જાણવા મળે છે, ત્યારે ઉપકારનો બદલો હું યોગ્ય કાર્ય કરી આપી શકતો નથી તેનો રંજ થાય છે. કોઈવાર આકુળ-વ્યાકુળ થઈ જાઉં છું. મારી જેવી ક્ષતિ ધરાવતા મારા બંધુઓ અને ભગિનીઓને એક યા બીજી રીતે પરેશાન થતા જોઉં છું ત્યારે મારા મનની હાલત પણ ચકડોળના ચક્કર જેવી થઈ જાય છે. અશાંત થયેલું મન ઘૂમરીઓ મારવા લાગે છે. પીડિતની મદદે પહોંચી જવા હાકલ કરી મને ધક્કા મારવા લાગે છે. અંતરમાંથી માયલો અવાજ આપે છે. ‘તને ભગવાને ધરતી પર પડકાર સાથે મોકલેલા માનવોની મદદ માટે મોકલવામાં આવ્યો છે. પૈસો કમાય શરીરસુખના ભોગો ભોગવવા નહિ.’ સ્વાર્થ માટે જે માનવ દેહનો ઉપયોગ કરી મળેલી જિંદગી ગુમાવે છે. તેને હું ધિક્કારું છું. ઈશ્વરનો સંવાદ મારા અંતરમાં સતત ગુંજતો રહે છે. આ સંવાદ મને સમુદ્રમાં યાત્રા કરતા નાવિકોને દીવાદાંડી જેમ દોરવણી આપે છે તેમ મને પણ પરોપકારી જીવન જીવવાની કેળવણી આપે છે.
વિદ્યાર્થી અવસ્થામાં જ રોપાયેલું બીજ ધીરે-ધીરે અંકુરિત થઈ વૃદ્ધિ પામવા લાગ્યું. મારા પર વર્ષો પહેલા આવેલા એક ટેલિફોને મારો માર્ગ બદલી નાખ્યો. કોઈ આપણને જેમ રસ્તો બતાવી કાંટાળા માર્ગેથી પાછા વાળે, તેમ મને પણ ઇશ્વરે એક ટેલિફોનિક સંદેશ દ્વારા નિમંત્રણ આપી સેવાક્ષેત્ર સાથે જોડવાની તક આપી, સ્વાર્થના માર્ગે જતા રોક્યો છે.
આ બધા વિચારોએ મને માનવતાના પ્રદેશમાં વિહરવાની તક આપી છે. હું પડકારરૂપ જિંદગી જીવતા લોકો માટે કશુંક ને કશુંક નવું કરવા ઇચ્છું છું. મને આ કાર્યમાં સમાજનો ભરપૂર સહયોગ મળી રહ્યો છે. આને હું ‘ગોવર્ધન પર્વત ઊંચકવા જેવુ કાર્ય સમજુ છું. ગોવર્ધન પર્વત ઊંચકવામાં ભગવાનને જેમ ગોવાળોએ ટેકો કર્યો હતો તેમ મને અનેક લોકો સેવાના પવિત્ર કાર્યમાં ટેકો કરી રહ્યા છે. આને હું મારુ પ્રારબ્ધ માનુ છું.’ બીજા શબ્દોમાં કહુ તો તે મારા કર્મની પૂંજી હોય શકે. પણ આ બધામાં ઇશ્વરની કૃપા ન ભળે ત્યાં સુધી તે ફળપ્રાપ્તિ આપી શકે નહિ. ઇશ્વરની આ કરુણાનો પ્રતિસાદ આપવાના ઉદ્દેશથી મારી જીવનયાત્રાના પ્રદેશમાં આવતા પીડિતપરિચિતોને સધિયારો આપવા નમ્ર પ્રયાસ કરતો રહુ છું. મારી અંતરની ઇચ્છ છેઃ દરેક ક્ષતિગ્રસ્ત લોકોનાં પડકારભર્યા જીવનમાં આવતી સમસ્યાઓ સમાજના સધિયારાથી ખાળી શકે. સમુદાય દ્વારા ઝુંબેશ ચલાવી હકારાત્મક વાતાવરણ ઊભુ કરી વિકલાંગ પીડિતો માટે કલ્યાણની કેડી કંડારવાનું સ્વપન સિદ્ધ થાય.
મારા સપનાનું જગત સજાવવા વર્ષ ૨૦૧૨ માં પ્રથમ પ્રયાસના ભાગરૂપે પ્રજ્ઞાચક્ષુઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને પ્રદર્શિત કરવાના હેતુથી વર્ષ ૨૦૧૨ ના સપ્ટેમ્બર મહિનાની તારીખ ૧૧ થી ૧૪ (મંગળ, બુધ, ગુરુ અને શુક્રવાર) ના રોજ વિશિષ્ટ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ચાર દિવસના આ યોજાયેલ કાર્યક્રમમાં સેંકડો વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો, તબીબો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને સામાન્ય નાગરિકો જોડાયા હતા.
વર્ષ ૨૦૧૩ માં વિશિષ્ટ પ્રદર્શનની સાથોસાથ ‘આંખ વિનાની દુનિયા’ વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું- તેને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. એ વેળાએ યોજાયેલ પ્રદર્શનમાં પણ લોકોના ટોળે-ટોળા ઊમટી પડ્યા હતા. જનતાનો ઉત્સાહ અને આવકાર મળતા આ કાર્યક્રમ સંસ્થાની પ્રવૃત્તિનો હિસ્સો બની ગયો છે. પ્રતિ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિશિષ્ટ પ્રદર્શનનું આયોજન નિયમિત રીતે કરવામાં આવે છે. શાળા-કૉલેજના વિદ્યાર્થીઓમાં આવેલી જાગૃતિનો લાભ આ ક્ષેત્રને મળી રહે તેવા ઉદ્દેશથી વર્ષ ૨૦૧૭ માં સંવેદના સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે અનેક શાળા-કૉલેજની રુબરુ મુલાકાત લેવામાં આવી છે. એટલુ જ નહિ સેંકડો વિદ્યાર્થીઓને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવ્યા છે. પરીણામે અનેક નેત્રહીનનોને રીડર, રાઈટર જેવી સેવાઓ સરળતાથી નિઃશુલ્ક પ્રાપ્ત થઈ રહી છે. આ ઉપરાંત પારિવારિક કે સામાજિક બાબતોમાં તેનો ફાયદો જોવા મળે છે. સમાજની મુખ્યધારામાં વિકલાંગોને સ્થાન અપાવામાં આ સંવેદનાસેતુની સાંકળ ટેકો કરી રહી છે. સંવેદનાસેતુ કાર્યક્રમ અંતર્ગત અનેક શાળા-કૉલેજોમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સાથે વિકલાંગતા મૅનેજમૅન્ટ વિષય પર સંવાદ કરવામાં આવ્યો છે. પરિણામે ભાવનગર જિલ્લો વિકલાંગતાના ક્ષેત્રમાં દેશનો આદર્શ જિલ્લો બનવા આગળ વધી રહ્યો છે. જનજાગૃત્તિનું આ તદ્દન નવું સોપાન છે. નવો વિચાર છે. નવી દિશા ખોલે તેવું અભિયાન છે. આ નવા ઉપક્રમમાં હજારો લોકો જોડાઈ રહ્યા છે. તે કદાચ ભગવાને મને મારી આંખોના તેજ કરતા ઘણું મોટું સુખ આપ્યું છે, તેમ હું માનું છું. વાચક મિત્રો, ભગવાને મને પરોપકારનું કાર્યસુખ આપી ધન્ય કર્યો છે. મને આવું ગૌરવ આપી મારા કલ્યાણના દ્વાર ખોલી આપ્યા છે. સંવેદનાસેતુ કોઈ પણને માનવતાના માર્ગે દોરી જાય તેવી પ્રવૃત્તિ છે. આ પ્રકલ્પને વધુ વેગ આપવા ૭ મી મે, ૨૦૧૯ ના રોજ ભાવનગરના ૨૯૬ માં સ્થાપના દિવસે વિકલાંગોના ઉત્કર્ષ માટે સંસ્થાએ વધુ એક કદમ ઊપાડ્યુ છે. શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાએ જિલ્લાની દરેક શાળા કૉલેજમાં સંવેદના સોસાયટીની સ્થાપના કરવા કમર કસી ઝુંબેશ ઊઠાવી છે. જિલ્લાભરની શાળા-કૉલેજો તેમાં સામેલ થઈ રહી છે. આ યજ્ઞ મારો નિજનાદ પણ છે. સુખ આપણને સ્વ-કલ્યાણ માટે મેળવેલી સંપત્તિ આપી શકતી નથી. તેનું જ્ઞાન સાધકપુરુષોને થયું હોવા છતાં તેઓ પણ મોહમાં ફસાય આવા સુખથી વંચિત રહે છે. મેં આવા ઘણા સાધકપુરુષોને ભીંત ભૂલી અથડાતા જોયા છે. તેથી આવી માયાના બંધનમાં પડ્યા વિના આંખોની દૃષ્ટિ ગુમાવી તેનો શોક કરવાના બદલે કર્મના માર્ગે આગળ ધપવા નિશ્ચય કરી લીધો છે. કારણ સ્થૂળદૃષ્ટિ વડે દેખેલા માયાવી જગતમાં જીવાત્માએ ફસાવું પડે છે. તે માયાનો વિષ્ટાથી ખદબદતો દ્વાર ભગવાને મારા માટે બંધ કરી મને સેવાના માર્ગે આગળ ધપવા ઉપર જણાવેલો વૈભવ આપી મને સુખી કર્યો છે-તેમ હું સમજુ છું. એટલે હું મારા બંધુઓ અને ભગિનીઓને કોઈ પણ પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડે નહિ, તેની ચિંતા અને ચિંતન કરતો રહુ છું. જેના પરિણામે મને અવનવા કાર્યક્રમો શરુ કરવાની દૃષ્ટિ પ્રાપ્ત થઈ છે. આને મારું ખરું સુખ અથવા સમૃદ્ધિ માનું છું. તે મારા વૈભવનો ખજાનો છે, આનંદ ઉમંગનું અનેરું નજરાણુ પણ છે. તેને અંતરના ચક્ષુ વડે જોવાનો લહાવો લેવાનું મને ખૂબ ગમે છે.
કોઈપણ વ્યક્તિ પોતાની શારીરિક કે માનસિક મર્યાદાઓને લીધે વિશાળ માનવ સમુદાય વચ્ચે એકલો-અટુલો પડી ન જાય તે જોવાની જવાબદારી સૌ કોઈની બને છે. ઘણી વખત મેં એવું પણ જોયું છે, ખૂબ મોટા ધનાઢ્ય પરિવારમાં જન્મેલા વિકલાંગોને પોતાની ભૌતિક જરૂરિયાતો પૂર્ણ થઈ શકે તેવો પ્રબંધ કરી દેવામાં આવે છે. પણ તેની પરીવારના સભ્ય તરીકે પારિવારિક પ્રસંગો, સામાજિક રીત-રીવાજોમાં જોઈએ તેવી ગણના થતી નથી. વ્યક્તિ માત્ર વૈભવી સગવડનો ભૂખ્યો હોતો નથી તેને તમારો પ્રેમ પણ જીવવાની શક્તિ આપતો હોય છે. ઘણી સરકારી ઓફિસો, શાળા-કૉલેજો કે અન્ય એકમોમાં વિકલાંગોને કામ મળી રહે તેવી કાનુની જોગવાઈઓ જરૂર થઈ છે, તેને હું આવકારુ છું. જે વિકલાંગ ભાઈ-બહેનોને કામ સરકારની કાનૂની જોગવાયોને આધીન આપવામાં આવે છે. તેમાના કેટલાક વિકલાંગોને એક યા બીજી રીતે સહન કરવું પડે છે. તેમાં હું સરકારનો દોષ જોવા કરતા સાથી કર્મચારીઓની નકારાત્મકતાભર્યો વ્યવહાર વધુ કારણભૂત માનું છું. ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે સમાજના સુશિક્ષિત નાગરિકોએ નેતૃત્વ લેવું પડશે. આવા લોકોની સુતેલી સંવેદના જાગેને તેવા કાર્યક્રમોમાં જોડાવુ પડશે. તો નવી પેઢીમાં સંવેદનાનું સિંચન થશે. શાળા-કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શિક્ષણની સાથે સંવેદનશીલ વ્યક્તિત્વનું ઘડતર થાય તેવા અનુભવો પૂરા પાડવા પડશે. સામાજિક, પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને ઉત્તેજન આપવું પડશે. આજનો બાળક કે વિદ્યાર્થી આવતી કાલનો દેશનો જવાબદાર નાગરિક છે. તેથી તેના ઉત્તમ ઘડતર માટે શિક્ષક ઉપરાંત સમાજે પણ જાગૃત બનવું પડશે. આ માટે સામાજિક શૈક્ષણિક કે ધાર્મિક સંગઠનોએ આગળ આવવું પડશે. હું શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાને આ દિશામાં આગળ ધપવા, નવો ચીલો ચાતરવા બદલ અભિનંદન પાઠવું છું. સંવેદના સોસાયટીનું ત્રિસ્તરીય ફોરમ આપી સંસ્થાએ વિકલાંગોના પુનઃ સ્થાપનના કાર્યને વેગ આપવા નીવ રચી છે. જે સરકાર અને સમાજ માટે દીવાદાંડી પુરવાર થશે-તેની મને શ્રદ્ધા છે. ભગવાને મને અને તમને મૂલ્યવાન માનવદેહ આપી મોકલ્યા છે ત્યારે આપણે તેનો લાભ લઈ અન્યના કલ્યાણ માટે કાર્ય કરીએ. તેમાં મારી અને તમારી ભલાઈ પણ છે. કારણ આપણે જો માનવ દેહનો બીજાની ભલાઈમાં ઉપયોગ કરી શકીશુ તો તે આપણા માટે ‘સ્વર્ગની નિસરણી બની જશે.’