બોટાદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત લાઠીદડ ખાતે ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મહિલા કાનુની જાગૃતિ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. રાજ્યમાં મહિલાઓની જાગૃતિ માટેની યોજનાઓ અને અભિયાનો દ્વારા આ સરકારે મહિલા સશક્તિકરણનું ઉમદા કાર્ય કર્યું છે. જેના પરિણામે આજે અનેકવિધ ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવી છે.
મહિલા સશક્તિકરણ માટે સરકારે હાથ ધરેલા કાર્યોનો ઉલ્લેખ કરતાં મંત્રીએ કહયું હતુ કે, મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીની સાથે મહિલાઓને સ્પર્શતા તમામ ક્ષેત્રોને આવરી મહિલાઓને જાગૃત કરવાનું અભિયાન સરકારે ઉપાડયું છે, સાથો સાથ મહિલાઓ સામાજિક-આર્થિક રીતે આગળ આવે તે માટે અનેકવિધ મહિલાલક્ષી નિર્ણયો પણ કર્યા છે.
આ કાર્યક્રમમાં સુલભા પરાંજપેએ મહિલાલક્ષી કાયદાઓ અંગે વિસ્તૃત સમજણ આપી હતી. આ પ્રસંગે ‘‘સંવેદના એક અભિયાન’’ કાર્યક્રમ તેમજ ‘‘સાવધાન બોટાદ’’ અભિયાનની ટુંકી ફિલ્મ ઉપસ્થિત સૌએ નિહાળી હતી, મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ‘‘સાવધાન બોટાદ’’ અંતર્ગત લાઠીદડ કોલેજના એન.એસ.એસ. યુનિટને કિટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ અલગ અલગ ક્ષેત્રમાં વિશિષ્ટ સિધ્ધી મેળવનાર જિલ્લાની વિદ્યાર્થીનીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી. આ તકે ‘‘સાવધાન બોટાદ’’ એક સુરક્ષા અભિયાનની ટીમ – રેલીને લીલી ઝંડી આપી મંત્રીએ જિલ્લામાં અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.