શાળાનો સમય સવારનો નહીં થાય તો અચોક્કસ મુદતના આંદોલનની ચીમકી

467

શાળાનો સમય સવારનો કરવાની માંગ સાથે અડાલજ માણેકબા કૃષિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ લડત ચલાવી છે. શાળાનો સમય સવારનો કરવાની માંગણી સાથે જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી છે. શાળાનો સમય નહી બદલાય તો અચોક્કસ મુદતના આંદોલનની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે.

વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ માટે શાળાના શિક્ષણ કરતા ટ્યુશનના શિક્ષણનું મહત્વ વધી ગયું હોય તેમ તાજેતરમાં જ ચિલોડાની એક શાળાનો સમય બદલતા જ વિદ્યાર્થીઓએ ટ્યુશનમાં જવાનું હોવાથી સમય બદલવાની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો. ત્યારે હવે અડાલજની કૃષિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ ટ્યુશનમાં જવાનો સમય રહેતો નથી. ઉપરાંત ઘરે વાંચવાનો વધુ સમય મળે તે માટે વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શાળાનો સમય સવારનો કરવાની માંગ સાથે લડત ચલાવી છે. શાળાનો સમય ર્મોનિંગ કરવા વિદ્યાર્થીઓએ શાળાના આચાર્યને રજુઆત કરી છતાં કોઇ નક્કર પરિણામ નહી આવતા વિદ્યાર્થીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરીને શાળાનો સમય ર્મોનિંગ કરવાની માંગણી કરી છે.

વિદ્યાર્થીઓના શિક્ષણના હિતને ધ્યાનમાં રાખીને શાળામનો સમય સવારનો કરવામાં આવે તો બપોરે પછી ટ્યુશન જઇ શકાય ઉપરાંત પરીક્ષાની તૈયારી માટે વધુ સમય મળે તેવો ઉલ્લેખ શિક્ષણાધિકારીને કરેલી લેખિત રજુઆતમાં કરાયો છે. અમદાવાદની શેઠ સી.એન.વિદ્યાલય અને અડાલજની માણેકબા કૃષિ વિદ્યાલયના સંચાલકો એક જ છે. તેમ છતાં અમદાવાદની વિદ્યાલયનો સમય સવારનો છે. તો પછી અડાલજની કૃષિ વિદ્યાલયનો સમય આખા દિવસનો કેમ રાખવામાં આવ્યો છે તેવા પ્રશ્નો પણ વિદ્યાર્થીઓએ અરજીમાં કર્યા છે. તેથી આ અંગે સત્વરે યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે.

શાળાનો સમય ર્મોનિંગ કરવા શાળાના આચાર્યને રજુઆત કરતા ચુપચાપ ભણો નહીતર બધાને એલસી પકડાવી દઇશ. ઉપરાંત એલસીમાં લાલ લીટી મારી દઇશ તેવી ધમકી આચાર્યે આપી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો છે. આથી આચાર્ય સામે પગલાં લેવાની વિદ્યાર્થીઓએ માંગ કરી છે.

Previous articleશામળાજી મંદિરમાં એલર્ટને પગલે સુરક્ષા વધારાઈ, પોલીસ જવાનો ચોવીસે કલાક ખડેપગે
Next articleઅમદાવાદમાં આજથી વાહનની સ્પીડ નક્કી, ઓવર સ્પીડ પર ૨ વર્ષ સુધીની જેલ