જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ દૂર કરવામાં આવ્યા બાદ ત્યાં લાગૂ કરવામાં આવેલા નિયંત્રણો ઉપર સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરવા અને નિયંત્રણોને દૂર કરવાના મામલે દરમિયાનગીરી કરવાનો સાફ ઇન્કાર કરી દીધો છે અને કહ્યું છે કે, સરકારને વધારે સમય મળે તે ખુબ જરૂરી છે. સરકાર ઉપર વિશ્વાસ રાખવાની જરૂર દેખાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરવાનો ઇન્કાર કરતા કહ્યું છે કે, રાજ્યમાં સ્થિતિ સંવેદનશીલ છે અને સરકાર પર વિશ્વાસ કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે એક અરજી ઉપર સુનાવણી કરતી વેળા કહ્યું હતું કે, રાજ્યની સ્થિતિને સામાન્ય બનાવવા માટે સરકારને વધારે સમય મળવો જોઇએ. રાતોરાત કોઇ ચીજો બદલી શકાશે નહીં. આવી સ્થિતિમાં રાજ્યમાં લાગૂ કરવામાં આવેલા અંકુશો ઉપર કોઇપણ પ્રકારના આદેશ જારી કરવામાં આવશે નહીં. આની સાથે સાથે કોર્ટે બે સપ્તાહ માટે આ મામલાની સુનાવણી ટાળી દીધી છે. જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધ અને સંચારબંધી દૂર કરવા તથા દૂરસંચાર સેવા પુનઃ સ્થાપિત કરવાની માંગ કરતી એક અરજી ઉપર જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ અજય રસ્તોગીની બનેલી બેંચે એટર્ની જનરલને પ્રશ્ન કર્યો હતો કે, જમ્મુ કાશ્મીરમાં કેટલા દિવસ સુધી અંકુશો અમલી રહેશે. આ પ્રશ્નના જવાબમાં એટર્ની જનરલે કહ્યું હતું કે, સરકાર પળ પળની સ્થિતિ પર નજર રાખી રહી છે. ૨૦૧૬માં આજ પ્રકારની સ્થિતિને સામાન્ય બનાવવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. આવી સ્થિતિમાં સ્થિતિ વહેલીતકે સામાન્ય બનાવી દેવામાં આવે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. અરજી કરનારની માંગ ઉપર કાશ્મીરમાંથી નિયંત્રણોને દૂર કરવાની રજૂઆત પર કોર્ટે કહ્યું હતું કે, સરકારને જમ્મુ કાશ્મીરમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટે પુરતો સમય મળવો જોઇએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, આજે જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. જો આવી સ્થિતિમાં ત્યાં કંઇ થાય છે તો આની જવાબદારી કોણ લેશે. આ સંદર્ભમાં કોર્ટે કહ્યું હતું કે, રાજ્યનો મામલો ખુબ સંવેદનશીલ છે. સરકારને સામાન્ય સ્થિતિ પુનઃ સ્થાપિત કરવા માટે પુરતો સમય આપવો જોઇએ. કોર્ટ વહીવટીતંત્રના મામલામાં દરમિયાનગીરી કરી શકે નહીં. અરજી કરનાર પર ચુકાદો સંભળાવતા કોર્ટે કહ્યું હતું કે, સરકાર રોજની સ્થિતિનું મૂલ્યાંકન લઇ રહ્યું છે.
આવી સ્થિતિમાં સ્થિતિ સામાન્ય બનાવવાની રાહ જોવાની જરૂર છે. કોર્ટે અપીલ કરી હતી કે, જો સ્થિતિ સામાન્ય થશે નહીં તો આ મામલાને ફરીથી સપાટી ઉપર લાવી શકાય છે. બીજી બાજુ સરકારે એમ પણ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને સ્થિતિને સામાન્ય કરવા દરરોજ સમીક્ષા થઇ રહી છે. પ્રદેશમાં કોઇપણ પ્રકારના માનવ અધિકારના ભંગ કરવામાં આવી રહ્યા નથી. કોર્ટે આ અરજી ઉપર સુનાવણીને બે સપ્તાહ સુધી હાલમાં ટાળી દીધી છે. સરકારને આ સંબંધમાં પુરતી આઝાદી સાથે કામ કરવાની મંજુરી મળવી જોઇએ.