પુલવામામાં ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી અડ્ડાઓ ઉપર કરવામાં આવેલા હવાઈ હુમલાઓને અંજામ આપનાર ભારતીય હવાઈદળના પાંચ પાયલોટોને સ્વતંત્રતા દિવસના અવસર પર આવતીકાલે વાયુસેના મેડલથી સન્માનિત કરવામાં આવશે. વીરતા પુરસ્કારમાં આ વખતે બાલાકોટ એરસ્ટ્રાઇકના સાહસી પાયલોટોનું સન્માન કરવામાં આવશે. બાલાકોટ બાદ પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને તોડી પાડનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને પણ વીરચક્રથી સન્માનિત કરાશે. વાયુ સેનાના વિંગ કમાન્ડર અમિત રંજન, સ્કોડ્રોન લીડર રાહુલ બોસાયા, પંકજ ભુજડે, બીકેએન રેડ્ડી અને શશાંકસિંહને બાલાકોટમાં ત્રાસવાદી અડ્ડાઓ પર હવાઈ હુમલાને સફળરીતે અંજામ આપવા બદલ સન્માનિત કરવામાં આવશે.
આ તમામ મિરાજ ૨૦૦૦ યુદ્ધ વિમાનના પાયલોટ તરીકે હતા. આ તમામ પાયલોટોએ ખુબ જ ચોકસાઈપૂર્વક પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના અડ્ડાઓ ઉપર હવાઈ હુમલા કર્યા હતા અને અડ્ડાઓને ફૂંકી માર્યા હતા. આ તમામ સાહસી પાયલોટો દુશ્મનને નુકસાન પહોંચાડીને સુરક્ષિતરીતે ભારતીય હવાઈ સીમામાં પરત ફર્યા હતા. અભિનંદને બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાની યુદ્ધ વિમાનોને જોરદાર જવાબ આપ્યો હતો.
સ્વતંત્રતા દિવસના પ્રસંગે દર વર્ષની જેમ આ વખતે પણ વીરતા પુરસ્કારની જાહેરાત આજે કરવામાં આવી હતી. વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. અભિનંદને બાલાકોટમાં પાકિસ્તાની ત્રાસવાદીઓના અડ્ડા પર ભારતે એરસ્ટ્રાઇક કર્યા બાદ પાકિસ્તાનના દુસાહસને નિષ્ફળ કરીને પાકિસ્તાનનુ એફ-૧૬ વિમાન તોડી પાડ્યુ હતુ. જો કે આ ગાળા દરમિયાન અભિનંદનનુ વિમાન તુટી પડ્યુ હતુ. જેથી અભિનંદન પણ પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા. જ્યાં તેમને પાકિસ્તાની સેનાએ બાનમાં પકડી લીધા હતા. જો કે ભારતના તીવ્ર રાજદ્ધારી પગલાના કારણે પાકિસ્તાનને અંતે છોડી દેવાની ફરજ પડી હતી. અભિનંદને જોરદાર સાહસનો પરિચય આપ્યો હતો.
એર સ્ટ્રાઇક બાદ સરહદ પર પાકિસ્તાની યુદ્ધવિમાનને જોરદાર જવાબ આપીને તેના વિમાનને તોડી પાડ્યુ હતુ. અભિનંદને ડોગ ફાઇટ દરમિયાન પાકિસ્તાનના અતિ આધુનિક એફ-૧૬ વિમાનને તોડી પાડ્યુ હતુ. અભિનંદને મિ-૨૧ મારફતે પાકિસ્તાનના વિમાનને ફુંકી માર્યુ હતુ. અભિનંદનના આ કરિશ્માની દેશભરમાં ભારે ચર્ચા રહી હતી. તેમના સાહસની પણ પ્રશંસા થઇ હતી. કારણ કે એફ-૧૬ વિમાન મિગ-૨૧ કરતા વધારે શક્તિશાળી અને આધુનિક છે. ડોગ ફાઇટ દરમિયાન અભિનંદનનુ વિમાન પણ દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. જેથી તેઓ પોતે પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા. પાકિસ્તાની સેનાએ અભિનંદનને બાનમાં પકડી લીધા હતા. તેમને સવાલ જવાબ કરવામાં આવ્યા હતા. ભારતે ત્યારબાદ જોરદાર દબાણ વધારી દેતા પાકિસ્તાનને પહેલી માર્ચના દિવસે અભિનંદનને પરત સોંપી દેવાની ફરજ પડી હતી.