લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ સાથે છેડો ભાડીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા બોલીવુડ સ્ટાર શત્રુઘ્ન સિંહા ફરી એકવાર ભાજપ તરફ વલણ અપનાવી રહ્યા છે. ભાજપમાં પરત ફરે તેવા સંકેત પણ આપી રહ્યા છે. શત્રુઘ્ન સિંહાએ વડાપ્રધાન મોદીના દિલ્હીના લાલ કિલ્લા પરથી આપવામાં આવેલા સ્વતંત્રતા દિવસના ભાષણથી ભારે પ્રભાવિત થયા છે. મોદીને લઇને તીખી પ્રતિક્રિયા આપનાર શત્રુઘ્ન સિંહાના સુર હવે બદલાઈ રહ્યા છે. શત્રુઘ્ન સિંહાનું કહેવું છે કે, મોદીનું ભાષણ ખુબ જ સાહસીક અને તમામ લોકોને વિચારવા ફરજ પાડે તે પ્રકારનું રહ્યું હતું. ટિ્વટ કરીને કહ્યું છે કે, તેઓ પોતાની ટિપ્પણીને લઇને ખુબ જ લોકપ્રિય અને કુખ્યાત રહ્યા છે પરંતુ અહીં એક વાત કબૂલવા માંગે છે કે, મોદીએ લાલ કિલ્લાથી ૧૫મી ઓગસ્ટના દિવસે જે ભાષણ આપ્યું હતું તેમાં અનેક સમસ્યાઓને સહજરીતે રજૂ કરવામાં આવી હતી. કોંગ્રેસની ટિકિટ ઉપર લોકસભામાં પટણાસાહેબમાંથી ચૂંટણી લડી ચુકેલા બોલીવુડ સુપરસ્ટારે કહ્યું હતું કે, મોદીએ દેશની સમક્ષ રહેલી સમસ્યાઓને યોગ્યરીતે રજૂ કરી હતી. શત્રુઘ્નએ કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ નદીઓને જોડવા માટેની વાત કરી હતી. જો વડાપ્રધાનની ઇચ્છા હોય તો આ મુદ્દા ઉપર વાતચીત કરી શકે છે. આનાથી પુરને રોકવામાં મદદ મળશે. શત્રુઘ્ન સિંહા બીજા એવા કોંગ્રેસી નેતા છે જે વડાપ્રધાન મોદીના ભાષણની પ્રશંસા કરી ચુક્યા છે.
આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મોદીના ઘોર વિરોધી પી ચિદમ્બરમ પણ કહી ચુક્યા છે કે, તેઓ વડાપ્રધાનની ત્રણ જાહેરાતોનું સ્વાગત કરે છે જેમાં વસતી વિસ્ફોટ, પ્લાસ્ટિક પ્રદૂષણ અને વેલ્થ ક્રિએટરોને શંકાની દ્રષ્ટિએ ન જોવાની અપીલનો સમાવેશ થાય છે.