ઓલપાડ : બરબોધન સેવા મંડળીના ગોડાઉનમાં આગ

497

સુરતના ઓલપાડ તાલુકાની બરબોધન સેવા સહકારી મંડળીના ગોડાઉનમાં બહુ ભીષણ આગ લાગતા ડાંગરની ૫ાંચ હજાર બોરીઓ બળીને ખાખ અને ભસ્મીભૂત થઇ ગઇ હતી. આ આગના કારણે ખેડૂતોને અઢી કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે, આટલા મોટી નુકસાનીને લઇ સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતા અને આઘાતનું મોજુ ફરી વળ્યુ હતું. આગની જાણ થતાં જ બરબોધન સેવા સહકાર મંડળીના આગેવાનો અને સ્થાનિક ખેડૂતોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિક ખેડૂત આગેવાન જયેશભાઇએ જણાવ્યું હતું કે, આ મંડળી પુલિંગ પદ્ધતિથી ચાલે છે. એટલે કે, ખેડૂતોને દવા, બિયારણ, અને ખાતર તેમજ ધિરાણ આપતીને ચાલતી મડળીને પુલિંગ મંડળી કહેવાય છે. જેમાં ૭૦૦-૮૦૦ ખેડૂતોનું ઉત્પાદન એટલે કે ડાંગર સ્ટોર કરાયો હતો. મંડળીના ગોડાઉનમાં લગભગ ૫ હજાર બોરી ડાંગર હતો. જેમાં લગભગ અઢી કરોડની ડાંગર બળીને ખાખ થઈ ગઇ છે. બરબોધન સેવા સહકારી મંડળીના ચેરમન ધનસુખભાઇએ જણાવ્યું હતું કે, આગ લગભગ મળસ્કે ૪ વાગ્યાની આસપાસ લાગી હતી. જેથી તાત્કાલિક રામા પેપર મિલની ફાયર ફાઇટર ટીમને જાણ કરી બોલાવી લેવાઇ હતી, ત્યારબાદ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સુરત પાલિકાની ફાયર ટીમને પણ મદદ માટે બોલાવાઈ હતી.

લગભગ ચારથી પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. પણ ડાંગરમાં આગ લાગી હોવાથી ધૂમાડો નીકળતો હોવાને કારણે કુલીંગ કામગીરી ચાલુ રખાઈ હતી. હાલ પરિસ્થિતિ કાબુમાં હોવાનું કહી શકાય છે. આગ શોર્ટ સર્કિટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જો કે, સાચા  કારણની તપાસ ચલાવાઇ રહી છે.

Previous articleહોંગકોંગમાં વિરોધ પ્રદર્શન લીધે હિરા વેપાર પર અસર
Next articleરાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું : તંત્ર હજુ સુસજ્જ