આઈપીએસ સુધા પાંડેએ એક બે વૃક્ષો નહિં આખે આખા જંગલ ઉગાડવાનું બીડું ઝડપ્યું

1036

અમદાવાદમાં સૈજપુર નરોડા ખાતે આવેલ સ્ટેટ રિઝર્વ પોલીસ જૂથ ૨ માં છેલ્લા કેટલાક દિવસથી અતિ ગંભીરતાથી સઘન વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. આમ તો ચોમાસાની ઋતુમાં આવા અભિયાનો આરંભવા તે સામાન્ય બાબત ગણાય. પરંતુ એસ.આર.પી જૂથ ૨ દ્વારા અપનાવાયેલ પદ્ધતિ સામાન્યથી કૈક અલગ છે. અને આ અભિયાનથી ગુજરાત પોલીસના તમામ એકમો આ પદ્ધતિ અનુસરે તે માટે તાલીમ આયોજન ગોઠવવા ઉચ્ચ કક્ષાએથી આદેશ જારી થયા છે.

આવાં અનેક પ્રશ્નો અને પડકારો વચ્ચે પર્યાવરણ પ્રત્યે ખૂબ જ સંવેનદનશીલ એવા એક આઈપીએસ પોલિસ અધિકારી સુધા પાંડેએ પોતાના તાબા હેઠળના એસ.આર.પી કેમ્પના ગ્રીન કવરમાં ૧૦૦% વધારો કરવાના નિર્ધાર સાથે પરંપરાગત પદ્ધતિથી તદ્દન વિપરીત અને જેની સફળતા અંગે સહેજે આશંકા જાગે તેવી પદ્ધતિથી મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરેલ છે. એસઆરપી જૂથ ૨ દ્વારા અપનાવાયેલ આ પદ્ધતિ આમ તો એકદમ નવી ના કહેવાય. જાપાનના અકિરા મિયાવકી નામના વનસ્પતિશાસ્ત્રી દ્વારા શોધાયેલ આ પદ્ધતિથી જાપાનમાં ૪૦ થી વધુ વર્ષોથી સફળતાપૂર્વક વૃક્ષારોપણ થઈ રહેલ છે. પરંતુ ભારતમાં અને વિશ્વના અન્ય ભાગોમાં પણ છેલ્લા કેટલાક સમયથી આ પદ્ધતિ લોકપ્રિય બની રહેલ છે.

આઈપીએસ સુધા પાંડે જણાવે છે કે અત્યંત નાની જગ્યામાં ખૂબ નજીક નજીક, જુદી જુદી દેશી નસલના વૃક્ષો વાવવામાં આવે છે. જેથી માત્ર ૧૦૦ચોમી વિસ્તારમાં પરંપરાગત રીતે વાવતા ૯ થી ૧૨ વૃક્ષો સામે આ પદ્ધતિથી એટલા જ વિસ્તારમાં ૨૦ થઈ ૨૫ જાતિના અધધ ૩૦૦ જેટલા વૃક્ષો વાવી શકાય છે! વધુમાં માત્ર ૨ થી ૩ વર્ષ આ વૃક્ષોને પાણી આપવાથી અને તે જગ્યાને નિંદામણ રહિત રાખવાથી આ છોડ આપણી દ્રષ્ટિથી ઊંચા અને આરપાર જોઈ ના શકાય તેવા જંગલમાં તબદીલ થઈ જાય છે. આ પદ્ધતિથી છોડ ૧૦ ગણા વધારે ઝડપથી વધે છે, ૩૦ ગણા વધારે ગાઢ બને છે, અનેક ગણું વધારે ઓક્સિજન આપે છે અને ૧૦૦% ઓર્ગેનિક હોય છે. કોઈ આશ્ચર્ય નથી કે આવા જંગલ અસંખ્ય પક્ષીઓ તથા અન્ય જીવ જંતુઓ માટે સ્વર્ગ સમાન બની જાય છે. વધુમાં માત્ર ૩ વર્ષ પછી આ જંગલ આત્મનિર્ભર બની જાય છે અને તેને કોઈ પણ પ્રકારની માવજતની જરૂર રહેતી નથી.  જો આ શક્ય હોય તો તેને અમલમાં મુકવામાં વાર શાને લગાડવી? એસ આર પી જૂથ ૨ ના સેનાપતિ સુધા પાંડે પણ આ જ વિચારથી આ પદ્ધતિ બાબત જાણકારી મળતા જ તે બાબત  શક્ય તેટલી તમામ માહિતી ઈન્ટરનેટ અને અન્ય જ્યાંથી પણ મળી તે મેળવી, આ પ્રકારના પ્લાન્ટેશનના સ્થાનિક વિશેષજ્ઞો શોધી કાઢી, પોતાના સ્ટાફની આ બાબત જરૂરી તાલીમ અને સેન્સિટાઈઝેશન કરી, લગભગ યુદ્ધના ધોરણે કામગીરી આરંભી માત્ર એક અઠવાડિયાની અંદર પોતાના એસઆરપી કેમ્પમાં ૧૦૦ ચોમી જગ્યામાં ૨૮૫ છોડ સાથે પ્રથમ મિયાવકી જંગલ લગાવી દીધું. આ પ્રયોગની જાણ થતાં ગુજરાતના ડીજીપી શ્રી શિવાનંદ ઝાના આદેશથી ગુજરાત પોલીસના તમામ એકમોના ૧૩૫ જેટલા પ્રતિનિધિઓને પણ આ પદ્ધતિથી વૃક્ષારોપણની તાલીમ એસઆરપી જૂથ ૨ ખાતે આપવાનું આયોજન ગોઠવાયું. આ તાલીમના કારણે સમગ્ર ગુજરાતમાં તમામ પોલીસ કૅમ્પસમાં તથા પોલીસ દ્વારા આ પદ્ધતિથી મોટા પાયે અને સફળતા પૂર્વક વૃક્ષરોપણની સંભાવનાઓ ઉદભવેલ છે. મિયાવકી પદ્ધતિથી પ્રથમ જંગલ પ્લાન્ટેશન બાદ જૂથ ૨ ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના સંનિષ્ઠ પ્રયાસો અને અવિરત મહેનતથી માત્ર ૧૭ દિવસમાં બીજા ૨ જંગલ લગાવી દેવામાં આવેલ છે.

Previous articleતા.૧૯-૦૮-ર૦૧૯ થી ૨૫-૦૮-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય
Next articleનકલી પોલીસ બની બળજબરીથી નાણા કઢાવવાનો ફરાર આરોપી ઝડપાયો