ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયાની હાલત કફોડી બની ગઈ છે. આ બંને દ્વારા જંગી ગ્રાહકો ગુમાવી દેવામાં આવ્યા છે. જૂન મહિનાના ગાળા દરમિયાન બંનેએ મળીને ૪.૧ મિલિયન ગ્રાહકો ગુમાવી દીધા છે. બીજી બાજુ રિલાયન્સ જીઓ દ્વારા આ ગાળા દરમિયાન ૮૨.૬ લાખ યુઝરો ઉમેરી દીધા છે. વોડાફોન આઈડિયા દ્વારા યુઝરોની સંખ્યાના મામલામાં હજુ પણ પ્રથમ ક્રમાંકને જાળવી રાખ્યો છે. તેના યુઝરોની સંખ્યા ૩૮.૩૪ કરોડની છે. જ્યારે જીઓ બીજા નંબર ઉપર છે અને તેના ૩૩.૧૨ કરોડ ગ્રાહકો છે જ્યારે ભારતી એરટેલના ૩૨.૦૩ કરોડ ગ્રાહકો રહેલા છે. વોડાફોન આઈડિયા દ્વારા ૪.૧૪ મિલિયન ગ્રાહકો અને ભારતી એરટેલ દ્વારા ૨૯૮૮૩ કસ્ટમરો આ ગાળા દરમિયાન ગુમાવી દેવામાં આવ્યા છે. જીઓએ રેકોર્ડબ્રેક ગતિથી કસ્ટમરોને ઉમેરવાનો સિલસિલો જારી રાખ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જૂન મહિનામાં જીઓ દ્વારા ૮.૨૬ મિલિયન ગ્રાહકો ઉમેરવામાં આવ્યા છે જ્યારે મે મહિનામાં ૮.૧૮ મિલિયન ગ્રાહકો ઉમેરવામાં આવ્યા હતા. ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા જૂન મહિનામાં ગ્રાહકો ઉમેરવામાં આવ્યા છે. જીઓ સિવાય બીએસએનએલ એક માત્ર એવી કંપની રહી છે જેને પોતાના ગ્રાહકોમાં ઉમેરો કર્યો છે. બીએસએનએલ દ્વારા જૂન મહિના દરમિયાન ૦.૨૬ મિલિયન યુઝરો ઉમેર્યા છે. વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલ દ્વારા હાયર એવરેજ રેવેન્યુ પર યુઝરને ધ્યાનમાં લઇને મિનિમમ રિચાર્જ સ્કીમ શરૂ કરી હોવા છતાં તેનો લાભ થઇ રહ્યો નથી. મે મહિનામાં વોડાફોન-આઇડિયા દ્વારા ૫.૬૯ મિલિયન ગ્રાહકો ગુમાવવામાં આવ્યા હતા જ્યારે ભારતી એરટેલ દ્વારા ૧.૫ મિલિયન યુઝરો મે મહિનામાં ગુમાવ્યા હતા. રિલાયન્સ જીઓ મુકેશ અંબાણીના નેતૃત્વમાં જોરદારરીતે ટેરિફ વોરમાં આગળ દેખાઈ રહી છે. જીઓની એન્ટ્રીના કારણે ફાઈનાન્સિલ મેટ્રોમાં ઓપરેટરોની હાલત કફોડી બની ગઈ છે. ખાસ કરીને વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલની મુશ્કેલી વધી ગઈ છે. જીઓએ મોબાઇલ ટેલિફોનિક માર્કેટમાં ફ્રી વોઇસ કોલ અને ડર્ટ ચીપ ડેટા સાથે ખળભળાટ મચાવી દીધો છે. ત્રણ વર્ષના ગાળામાં જ જીઓએ રેવેન્યુની દ્રષ્ટિએ માર્કેટમાં સૌથી મોટી કંપની બનવામાં સફળતા મેળવી છે. હવે ફરી એકવાર રિલાયન્સ દ્વારા આવી જ યોજના તૈયાર કરવામાં આવી છે. આ વખતે ફિક્સ્ડ લાઈન બ્રોડબેંડના ક્ષેત્રમાં રહેલી છે. રિલાયન્સના વડા મુકેશ અંબાણી દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે, જીઓ ફાયબર દ્વારા લેન્ડલાઈનથી લાઈફટાઈમ ફ્રી વોઇસ કોલની ઓફર કરવામાં આવી છે. ઉપરાંત મહિને ૭૦૦ રૂપિયાની રેંજ સાથે ૧૦૦ એમબીપીએસ બ્રોડબેન્ડ સ્પીડ આપવામાં આવશે. ફ્રીમાં એચડી ટીવી સેટ આપવામાં આવશે.