શેરબજારમાં આજે ભારે અફડાતફડીનો દોર રહ્યો હતો. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૩૧૬ પોઇન્ટ સુધીનો ઉછાળો નોંધાયા બાદ આખરે તેમાં ફ્લેટ સ્થિતિ જોવા મળી હતી. દલાલ સ્ટ્રીટમાં સરકાર નવા પ્રાણ ફૂંકવા માટે તૈયાર દેખાઈ રહી છે તેવી ચર્ચાઓ શરૂ થઇ હતી. સરકાર તરફથી નવા પેકેજોની જાહેરાત કરવામાં આવનાર છે તેવા અહેવાલ વચ્ચે બેંચમાર્ક સેંસેક્સમાં ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ૩૧૬ પોઇન્ટનો ઉછાળો આવી ગયો હતો. મોટાભાગના શેરમાં લેવાલી રહેતા સેંસેક્સમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. જો કે, બપોર બાદ આ તેજી ધીમે ધીમે ઓછી થઇ હતી અને અંતે બાવન પોઇન્ટનો સુધારો રહેતા સેંસેક્સ ૩૭૪૦૨ની સપાટીએ બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા, સન ફાર્મા, એક્સિસ બેંક અને એલએન્ડટીમાં સૌથી વધુ નફો જોવા મળ્યો હતો. યશ બેંક, પાવરગ્રીડ, એસબીઆઈ, ઓએનજીસીના શેરમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ૬ પોઇન્ટ ઉછળીને ૧૧૦૫૪ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ દ્રષ્ટિએ જોવામાં આવે તો ફાર્માના શેરમાં સૌથી મોટો ઉછાળો રહ્યો હતો. પબ્લિક સેક્ટર બેંકમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૦.૮૪ ટકાનો ઉછાળો અને નિફ્ટી મિડિયામાં ૦.૬૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ૦.૩૮ ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૦.૮૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૨૭ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૫૧૮ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૬૪ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૨૬૪૯ રહી હતી. ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં તેજી રહી હતી. મોટા અર્થતંત્રમાં કેટલીક અડચણો આવી રહી છે. એશિયન શેરબજારમાં આજે મિશ્ર સ્થિતિ જોવા મળી હતી. વિદેશી મૂડીરોકાણકારોએ ઓગસ્ટ મહિનાના પ્રથમ હાફમાં મૂડી માર્કેટમાંથી નેટ આધાર પર ૮૩૧૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ ભારતીય માર્કેટમાંથી જંગી નાણાં પાછા ખેંચવાનો સિલસિલો જારી રહ્યો છે. એફપીઆઈ ટેક્સ અને ગ્લોબલ ટ્રેડ ચિંતાને લઇને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે જેના કારણે વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર દેખાઈ રહ્યા છે. ડિપોઝિટરી ડેટાના જણાવ્યા મુજબ વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ૧-૧૬મી ઓગસ્ટના ગાળા દરમિયાન નેટ આધાર પર ૧૦૪૧૬.૨૫ કરોડ રૂપિયાની ઇક્વિટીનું વેચાણ કર્યું છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયાની ચાલ ઉપર પણ તેની અસર રહેશે. સાપ્તાહિક આધાર પર ગયા સપ્તાહમાં ડોલર સામે રૂપિયામાં ૩૫ પૈસાનો ઘટાડો થયો હતો. આર્થિક સંકટનો નિકાલ લાવવા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. મંદીની અસરથી બહાર કાઢવા માટે નાણામંત્રાલય ઓટો, રિયાલીટી સહિતના જુદા જુદા ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે વાતચીતમાં વ્યસ્ત છે.