તહેલકાના પૂર્વ એડિટર તરુણ તેજપાલને સુપ્રીમ કોર્ટથી મોટો ફટકો પડ્યો છે. તેજપાલની અરજી ફગાવી દઇને કોર્ટે તેમના ઉપર જાતિય સતામણીના કેસ ચલાવવા માટેનો આદેશ આપી દીધો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, છ મહિનામાં ગોવાની કોર્ટ ટ્રાયલ પરિપૂર્ણ કરી લે તે જરૂરી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, આ કેસમાં પહેલાથી જ ખુબ વધારે સમય લાગી ચુક્યો છે. હવે આ કેસને લાંબા સમય સુધી ટાળી શકાય તેમ નથી. પત્રકાર તરુણ તેજપાલ ઉપર ગોવાની એક હોટલમાં લિફ્ટમાં પોતાની જુનિયર સહકર્મીની સાથે છેડતીનો આક્ષેપ છે. તરુણ તેજપાલે સુપ્રીમ કોર્ટમાં પોતાની સામે મુકવામાં આવેલા આરોપોને રદ કરવાની માંગ કરી હતી. અલબત્ત છેલ્લી સુનાવણીમાં કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેજપાલની અરજી ઉપર પ્રશ્નો ઉઠાવીને પ્રશ્ન કર્યો હતો કે, જો તેઓ ખોટા નથી તો તેઓએ માફી ભરેલો મેઇલ કેમ લખ્યો હતો. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે તેજપાલના વકીલની દલીલો ઉપર સુપ્રીમ કોર્ટે આકરી પ્રતિક્રિયા આપી છે. કોર્ટે પ્રશ્ન કર્યો છે કે, જો તેઓએ કોઈ ભુલ કરી નથી તો માફી કેમ માંગવામાં આવી છે.
ગોવા પોલીસ તરફથી રજૂ થયેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ પણ તેજપાલના વકીલની દલીલોનો જોરદાર વિરોધ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, તેજપાલે પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો અને મહિલા સહકર્મી સાથે ચેડા કર્યા હતા. માનસિક અત્યાચાર કરવાના પ્રયાસ કર્યા હતા. ૨૦૧૩ ડિસેમ્બરમાં તેજપાલ પર તેમની જુનિયર મહિલા સહકર્મી દ્વારા છેડતીના આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારબાદથી તેજપાલની મુશ્કેલીમાં સતત વધારો થયો છે. સુપ્રીમ કોર્ટમાં મામલો આવ્યા બાદ આની ગંભીર નોંધ લેવાઈ છે. તેમની સામે હવે જાતિય શોષણનો કેસ ચાલશે અને તપાસ છ મહિનામાં પૂર્ણ થશે.