કાશ્મીરમાં સલામતી વચ્ચે સ્કુલો ખુલી

381

જ્મ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ સાવચેતીના પગલારૂપે બંધ કરવામાં આવેલી કાશ્મીર ખીણની તમામ સ્કુલો આજે ખુલી ગઇ હતી. સઘન સુરક્ષા વચ્ચે ૧૯૦ સ્કુલોને ખોલી દેવામાં આવી છે. કલમ ૩૭૦ને દુર કરવામા ંઆવે તે પહેલા શ્રીનગરમાં પ્રાઇમરી સ્કુલો બંધ કરવામાં આવી હતી. આજે તમામ સ્કુલો ખુલી ગઇ છે. કોઇ પણ અવ્યવસ્થાને ટાળવા માટે સેના સહિત અન્ય સુર૭ા દળોને ૨૪ કલાક ગોઠવી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યુ છે કે જેમ જેમ સ્થિતી સામાન્ય બનશે તેમ તેમ સ્કુલોમાં અભ્યાસને શરૂ કરી  દેવામાં આવશે. એક દિવસ પહેલા જ આ તમામ વિસ્તારોમાં ઓછી ઝડપ સાથે ટુજી મોબાઇલ ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવ્યા બાદ તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લડાખમાં વિભાજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક દિવસ પહેલા જ ચોથી ઓગસ્ટના દિવસે પણ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જમ્મુ ક્ષેત્રના પાંચ જિલ્લામાં ટુજી મોબાઇલ ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવ્યા બાદ જમ્મુના પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે ચેતવણી આપતા કહ્યું હતું કે, સોશિયલ મિડિયા ઉપર બોગસ સંદેશા અને વિડિયો પ્રસારિત કરનાર સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ફેસબુક ઉપર જાહેર વ્યવસ્થા માટે ખતરા તરીકે હોવાની વાત કરનાર બે લોકોની સામે કેસ કરવામાં આવ્યો છે.  આ બે શખ્સોની ઓળખ અતીક ચૌધરી અને ફારુક ચૌધરી તરીકે થઇ છે.

કાશ્મીરમાં સ્થિતી સામાન્ય બનાવવા માટે તમામ પ્રયાસ થઇ રહ્યા છે. કાશ્મીરમાં આજે પ્રતિબંધો અને છુટછાટ આપવામાં આવી હોવા છતાં ઘણી સ્કુલોમાં શિક્ષકો ભણાવવા માટે પહોંચ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓની હાજરી ઓછી દેખાઈ હતી. સ્કુલોમાં જોરદાર ચહેલપહેલ જોવા મળી હતી. જો કે, પ્રથમ દિવસે અપેક્ષા કરતા ઓછી સંખ્યામાં બાળકો પહોંચ્યા હતા. બાળકોને પ્રથમ દિવસે માતા-પિતા મુકવા માટે આવ્યા હતા. અધિકારીઓના કહેવા મુજબ ટૂંક સમયમાં જ  સ્થિતિમાં સુધારો થશે અને સ્કુલોમાં બાળકોની સંખ્યા પણ વધી જશે. પ્રાયમરી બાદ હવે સેકન્ડરી સ્કુલો પણ ખોલવામાં આવશે. ખીણના મોટાભાગના વિસ્તારોમાં સુરક્ષા દળો હજુ પણ તૈનાત છે અને તમામ ખાનગી સ્કુલો આજે ૧૫માં દિવસે પણ બંધ રહી હતી. છેલ્લા બે દિવસથી હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે. તમામ સરકારી કચેરીઓમાં પણ કામગીરી શરૂ થઇ ચુકી છે. પ્રતિબંધોને હળવા કરવામાં આવ્યા બાદ શહેરમાં ખાનગી વાહનોની સંખ્યા પણ વધી છે.

Previous articleલાહોલ, સ્પીતિ અને ચંબામાં ભારે હિમવર્ષા
Next articleઆતંકવાદી ભારતમાં ઘૂસ્યો હોવાના અહેવાલથી એલર્ટ